નવી દિલ્લી/નીસ: ફ્રાંસના નેશનલ ડે ના દિવસેજ ત્યાં આતંકી હુમલો થયો છે. નીસ શહેરના એક રિસોર્ટમાં આતિશબાજી કરવા ભેગા છયેલા લોકોને અચાનક એક ટ્રકે કચડી નાખતા 77 લોકોના મોત થયા છે. મૃતકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. લગભગ 100થી વધારે લોકો ઘાયલ થયા છે.

LIVE UPDATES:

  • ફ્રાંસના રાષ્ટ્રપતિ ઓલાંદે આ ઘટનાને આતંકી હુમલો ગણાવી.

  • વિદેશ મંત્રાલયે પેરિસ સ્થિત ભારતીય દૂતાવાસનો હેલ્પલાઈન નંબર +33-1-40507070 જાહેર કર્યો છે. કોઈ પણ જાણકારી માટે અહીં કોલ કરી શકાય છે.

  • વિદેશ મંત્રાલયે નિવેદન આપ્યુ છે કે આ હુમલામાં કોઈ પણ ભારતીયની માર્યા ગયા કે ઘાયલ થયાના અહેવાલ નથી.

  • નીસ શહેરમાં રહેતા સંગીતકાર નિહાર મેહતાએ પણ પુષ્ટિ કરતા કહ્યું છે કે આ હુમલામાં કોઈ ભારતીય પ્રભાવિત થયો નથી.

  • જે નીસ શહેરમાં આ હુમલો થયો છે ત્યાં લગભગ 2 હજાર ભારતીયો રહે છે. જેમાં મોટા ભાગના દક્ષિણ ભારતીય રાજ્યોમાંથી આવે છે.

  • ફ્રાંસના ગૃહમંત્રાલયના જણાવ્યા મુજબ આરોપી ટ્રક ડ્રાઈવરને પોલીસે ઠાર માર્યો છે. અને આ જાણી-જોઈને કરવામાં આવેલો હુમલો છે.. કેટલાક પ્રત્યક્ષદર્શીઓએ ગોળીબારની પણ વાત કહી છે.



ફ્રાંસમાં એક ટ્રકે લોકોને કચડ્યા તેનો એક વીડિયો @RobPulseNews નામના ટ્વિટર હેંડલ પરથી જાહેર કરાયો છે. જેમાં એક સફેદ રંગનો ટ્રક સ્પીડમાં આગળ વધે છે. અને લોકોની ભીડ વચ્ચે ધસી ગયો હતો. આ દરમિયાન ટ્રકને રોકવા માટે લોકો તેની પાછળ દોડી રહ્યા છે તેમ પણ દેખાય છે.

ફ્રાંસ આતંકી સંગઠન આઈએસના નિશાના પર રહ્યુ છે. ગત વર્ષે નવેમ્બરમાં પેરિસમાં થયેલા આતંકી હુમલામાં 130 લોકોના મોત થયા હતા. જે પછી ફ્રાંસમાં ઈમરજન્સીના નિયમો લાગાવાયા છે.