અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, એમાં પણ અમદાવાદમાં સૌથી વધુ ખતરો છે. કોરોના કહેર વચ્ચે કોરોના વોરિયર્સ મોટી સંખ્યામાં કોરોનાનો ભોગ બની રહ્યા છે. ત્યારે SVP બાદ સિવિલમાં તબીબોને કોરોનાનું સંકટ છે. 1200 બેડની હોસ્પિટલમાં કાર્યરત રેસિડેન્ટ તબીબો પૈકી 12 તબીબોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.


નોંધનીય છે કે, કેન્સર હોસ્પિટલમાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. કેન્સર હોસ્પિટલમાં કોરોનાના કારણે કુલ 91 લોકો સંક્રમિત છે. રેસિડેન્ટ તબીબોને નોકરી બાદ પણ રહેવાની એક જ જગ્યાએ સુવિધા આપવામાં આવી હતી. ડ્યુટી બાદ તમામ તબીબો એક સ્થળે એકત્ર થતા હોવાનું સંક્રમણ માટે કારણભૂત છે.

નોંધનીય છે કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના 12910 કેસો નોંધાયા છે. જ્યારે 773 લોકોના મોત થયા છે. અમદાવાદની વાત કરીએ તો અત્યાર સુધીમાં કુલ 9449 કેસો નોંધાયા છે, જ્યારે 619 લોકોના મોત થયા છે. એક્ટિવ કેસોની વાત કરીએ તો ગુજરાતમાં હાલ 6649 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અમદાવાદમાં 5500 લોકો સારવાર હેઠળ છે.