અમદાવાદ : ધોધમાર વરસાદથી અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા છે અને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ચારે બાજુ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. અમુક વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘુસી ગયાના સમાચાર છે. અમદાવાદના પાલડી વિસ્તારમાં 12 ઈંચ વરસાદ ખાબકતા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. અમદાવાદ શહેરના અનેક રસ્તાઓમાં ભારે વરસાદના કારણે પાણીમાં ગરકાવ થયા છે. ધોધમાર વરસાદના પગલે આવતીકાલે શાળા-કોલેજોમાં રજા જાહેર કરાઈ છે.
પ્રહલાદનગર રોડ ઉપર આવેલી ઔડા તળાવની પાળી તૂટતા વ્રજવિહાર અપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં પાણી ભરાયું છે. બેઝમેન્ટમાં મૂકેલી કાર પાણીમાં ડૂબી ગઈ હતી. અપાર્ટમેન્ટના રહીશો ચિંતામાં કે હજી વરસાદ પડશે તો કેવી પરિસ્થિતિ થશે.
જીવરાજ પાર્ક અને વાસણામાં ઘરમાં ઘુસ્યા પાણી
મળતી માહિતી મુજબ વાસણા અને જીવરાજપાર્ક વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે. જીવરાજ પાર્કમાં મહિમા એપાર્ટમેન્ટ અને વાસણા ટેલિફોન એક્સચેન્જ પાસે આવેલી સોસાયટીઓમાં વરસાદી પાણા ઘરમા પાણી ઘુસી ગયા છે. લોકોની ઘરવખરી પાણીમાં ડૂબી ગઈ છે અને લાખો રૂપિયાનું નુકસાન થયું છે.
દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદ તથા આગામી બે દિવસ હજુ ભારે વરસાદની આગાહીને પગલે મુખ્યમંત્રીએ તાબડતોબ ઈમરજન્સી બેઠક બોલાવી હતી. ભારે વરસાદના પગલે મીઠાખળી અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા વાહનવ્યવહાર માટે અંડરબ્રિજ બંધ કરવામાં આવ્યો છે. મકરબા અંડરબ્રિજ, પરિમલ અંડરબ્રિજ, વેજલપુર અંડરબ્રિજ, વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગ અંડરબ્રિજ પણ બંધ કરવામાં આવ્યા છે.
અમદાવાદ શહેર પાણી-પાણી થયું
ત્રણ કલાકના વરસાદમાં અમદાવાદ શહેર પાણી-પાણી થયું છે. શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. ગાજવીજ સાથે શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. જેના કારણે રવિવારની મજા માણવા માટે બહાર નીકળેલા અમદાવાદીઓ વરસાદમાં ભીંજાયા હતાં. અનેક જગ્યાએ રોડ પર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. જેના કારણે શહેરીજનો રસ્તા પર જ અટવાઈ ગયા હતાં. શહેરમાં ત્રણ દિવસમાં સિઝનનો 30 ટકા વરસાદ વરસી ગયો છે.