અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ વરસી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં પાણી પાણી થઈ ગયું છે. તમે સમાચાર વાંચતી વખતે બારે મેઘ ખાંગા થયા, પરંતુ તમે જાણો છો, બારે મેઘ ખાંગા થયા એટલે શું? અહીં અમે તમને આ માહિતી આપી રહ્યા છે. વરસાદને આપણે 12 પ્રકારે વિભાગજીત કરીએ છીએ. ‘બારે મેઘ ખાંગા થવા’ આ શબ્દનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે, જ્યારે ખુબ વરસાદ પડે અને બારે પ્રકારના મેઘ જોવા મળે, ત્યારે આ ઉક્તિ વાપરવામાં આવે છે. આ 12 પ્રકારના મેઘ નીચે મુજબ છે.


1 ફર ફર : જેનાથી માત્ર હાથ પગના રૂંવાડા જ ભીના થાય તેવો નજીવો વરસાદ.
2 છાંટા : ફર ફર થી વધુ વરસાદ
3 ફોરા : છાંટાથી વધુ મોટા ટીપા
4 કરા: ફોરા થી વધુ પણ જેનું તરત જ બરફમાં રૂપાંતર થઈ જાય તેવો વરસાદ
5 પછેડીવા : પછેડી (ફેંટા જેવા સાથે રખાતા કપડાનો ટુકડો) થી રક્ષણ થાય તેવો વરસાદ
6 નેવધાર : છાપરા ના નેવા ઉપરથી (નળિયા ઉપરથી) પાણી વહે તેવો વરસાદ
7 મોલ મેહ : મોલ એટલે પાક ને જરૂરી હોય તેવો વરસાદ
8 અનરાધાર : એક છાંટો,બીજા છાંટા ને સ્પર્શી જાય અને ધાર પડે તેવો વરસાદ
9 મુશળધાર : અનરાધાર થી તીવ્ર વરસાદ (મુશળ = સાંબેલું) આ વરસાદ ને સાંબેલાધાર વરસાદ પણ કહેવામાં આવે છે.
10 ઢેફાભાંગ : વરસાદ ની તીવ્રતાથી ખેતરો માં માટીના ઢેફા નરમ થઈ તૂટી જાય તેવો વરસાદ
11 પાણ મેહ : ખેતરો પાણી થી છલોછલ ભરાઈ જાય અને કુવા ના પાણી ઉપર આવી જાય તેવો વરસાદ
12 હેલી : આ અગિયાર પ્રકારના વરસાદ માંથી કોઈને કોઈ વરસાદ સતત એક અઠવાડિયું ચાલે તેને હેલી કહેવામાં આવે છે.