મહામારી મ્યુકોરમાઈકોસને લઈને અમદાવાદથી વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. મ્યુકોરમાઈકોસીસ 14 વર્ષના કિશોરને થયા હોવાનો ચાંદખેડાની ખાનગી હોસ્પિટલમાં પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. આ કિશોરને એપ્રિલ મહિનામાં કોરોના થયો હતો. ત્યાર બાદ સારવાર દરમિયાન તે સ્વસ્થ થઈ ગયો હતો. હાલ મ્યુકોરમાઇકોસીસ થતા અમદાવાદની ચાંદખેડાની ખાનગી હોસ્પિટલમાં તેની સર્જરી કરવામાં આવી અને જમણી તરફના દાંત કાઢ્યા બાદ હાલ કિશોરની તબિયત સ્થિર છે.
દેશમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે તેની વચ્ચે મ્યૂકોર માઈકોસિસે (બ્લેક ફંગસ) ચિંતા વધારી દીધી છે. બ્લેક ફંગસ (Black fungus)ને અનેક રાજ્યએ મહામારી જાહેર કરી છે. ત્યારે હવે ઉત્તર પ્રદેશ સરકારે પણ તેને મહામારી (Epidemic) જાહેર કરી છે. બ્લેક ફંગસને મહામારી જાહેર કરનાર ઉત્તર પ્રદેશ આઠમું રાજ્ય છે. આ પહેલા ગુજરાત, તેલંગણા, રાજસ્થાન, આસામ, ઓડિસા, પંજાબ અને ચંદીગઢ તેને મહામારી જાહેર કરી ચૂક્યા છે.
કોરોના બાદ આવેલી મ્યુકોરમાઈકોસિસની મહામારીમાં બાળકમાં અત્યાર સુધી કેસ જોવા મળતા ન હતા, પણ પહેલીવાર ગુજરાતમાં કેસ જોવા મળ્યો છે. જેથી કહી શકાય કે બાળકો પણ આ બીમારીના શિકાર થઈ રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે ગુરુવારે તમામ રાજ્ય સરકારોને મ્યુકોરમાઈકોસિસ રોગને એપિડેમિક ડિસિઝ એક્ટ 1897 હેઠળ સૂચિત રોગ જાહેર કરવાની વિનંતી કરી હતી. નોટિફાયેબલ ડીસીઝ જાહેર કરવા જરૂરી નિર્ણય લેવા સુચના આપવામાં આવી છે. કેંદ્ર સરકારે તમામ રાજ્યો, સંઘ પ્રદેશોના આરોગ્ય વિભાગને પત્ર લખ્યો હતો.
હેલ્થ મિનિસ્ટ્રીએ જણાવ્યું હતું કે, તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલો તથા હેલ્થ સેન્ટર, મેડિકલ કોલેજોએ હેલ્થ મિનિસ્ટ્રી અને આઈસીએમઆર દ્વારા જારી મ્યુકોરમાઈકોસિસના નિદાન, તપાસ અને વ્યવસ્થાપન માટેની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. હેલ્થ મિનિસ્ટ્રીએ જણાવ્યું કે દિલ્હી સહિત દેશના ઘણા રાજ્યોમાં મ્યુકોરમાઈકોસિસ (બ્લેક ફંગસ)નો કેર વધતો જાય છે.
શું છે બ્લેક ફંગસ અથવા મ્યુકોરમાઈકોસિસ ?
બ્લેક ફંગસ (black fungus) એક દુર્લભ પ્રકારનું ઇન્ફેક્શન છે. આ ઇન્ફેક્શન શરીરમાં બહુજ ઝડપથી ફેલાય છે. બ્લેક ફંગસનુ સંક્રમણ મોટાભાગના દર્દીઓમાં જોવા મળ્યુ છે, જે ડાયાબિટીસથી પીડિત છે. અગાઉથી સ્વાસ્થ્યની સમસ્યાથી પીડાય રહેલા શરીરમાં વાતાવરણમાં હાજર રોગજનક વાયરસ, વેક્ટેરીયા અથવા અન્ય પેથોડન્સ સામે લડવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. આ ફંગસના કારણે મસ્તિષ્ક, ફેફસા અને ચામડી પર પણ અસર જોવા મળે છે. આ કારણે કેટલાક દર્દીઓના જડબા અને નાકના હાકડાં પણ ઓગળી જાય છે. જો સમય રહેતા આનો ઇલાજ ના મળે તો દર્દીનુ મોત પણ થઇ શકે છે.