અમદાવાદઃ કોરોનાએ ગુજરાત પર મજબૂત રીતે સકંજો કસ્યો છે તેમાંય અમદાવાદમાં પરિસ્થિતિ વધુ વણસી છે. રાજ્યમાં વધતાં કેસો અને મુત્યુઆંકને જોતાં કોરોનાએ ભયાવહ રૂપ ધારણ કર્યું હોવાનું ચિર્ત ઉપસ્યું છે. આખાય રાજ્યમાં માત્ર અમદાવાદમાં જ સૌથી વધારે કેસો અને મૃત્યુ થઈ રહ્યા છે. પરિણામે શહેરમાં કોરોના બેકાબુ બન્યો છે. અમદાવાદમાં પણ કોરોનાને લઈને કેટલાક ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.


અમદાવાદના અસારવા વિસ્તારમાં કોરોનાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. અહીં માત્ર 24 કલાકમાં જ એક જ ચાલીમાંથી 25 લોકોને કોરોના પોઝિટિવ આવ્યા છે. અસારવાની કડીયાની ચાલીમાં 25 કોરોનો કોરોનાનો ચેપ લાગ્યો છે. આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ સતર્ક થઈ ગયું છે અને એએમસી આ તમામ લોકો કોના સંપર્કમાં આવ્યા હતા તેને કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવાના શરૂ કરી દીધા છે.

ગુજરાતમાં 27 એપ્રિલ સાંજે 5 કલાક સુધીના છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 247 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 11 લોકોનાં મોત થયા છે. એકલા અમદાવાદમાં 197 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ સંક્રમિત કેસનો આંક 3548 પર પહોંચ્યો છે અને કુલ મૃત્યુઆંક 162 થયો છે

રાજ્યમાં જે નવા 230 કેસ નોંધાયા છે, તેમાંથી અમદાવાદમાં 197 કેસ, સુરતમાં 30, આણંદ-2, બોટાદ 1,ડાંગ 1,ગાંધીનગર 5,જામનગર 1,પંચમહાલ 3,રાજકોટ 1 અને વડોદરામાં 6 કેસ નોંધાયા છે.

જે 11 લોકોના મોત થયા છે. તેમાં પાંચ મોત અમદાવાદમાં થયા છે. એક વડોદરા અને ચાર મોત સુરતમા થયા જ્યારે એક મોત બનાસકાંઠામાં થયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના 3548 કેસ નોંધાયા છે, જેમાંથી 31 દર્દી વેન્ટિલેટર પર છે, મૃત્યુઆંક 162 પર પહોંચ્યો છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વધુ 81 લોકો કોરોનાના ભરડામાંથી બહાર આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 394 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 75797 ટેસ્ટ થયા જેમાં 3548 પોઝિટિવ આવ્યા છે.