ગુજરાત હાઇકોર્ટમાં 7 કર્મીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આરોગ્ય સેતુ એપના આધારે હાઈકોર્ટના કર્મીઓનું ટેસ્ટિંગ કરાયું હતું. જેમાં 7 કર્મીઓ કોરોના પોઝિટિવ નોંધાતા સાવચેતીના ભાગરૂપે આગામી 3 દિવસ હાઈકોર્ટ બંધ રહેશે.
આજથી હાઈકોર્ટની બિલ્ડિંગ સહિત હોલ અને સંકુલને સેનેટાઈઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. હાઈકોર્ટ બંધ રાખીને સેનિટાઈઝેશન કરવા માટે હાઈકોર્ટની સ્ટેડિંગ કમિટીએ નિર્ણય લીધો છે.
છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 187 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ શહેરમાં 172 અને અમદાવાદ જિલ્લામાં 15 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોનાનો કુલ આંકડો 22,262 પર પહોંચ્યો છે. અમદાવાદમાં મંગળવારે 124 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેને લઈને કુલ સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 17,079 પર પહોંચ્યો છે. અમદાવાદમાં 7 દર્દીઓના મોત થયા છે જેની સાથે અમદાવાદનો કોરોનાથી મૃત્યુઆંક 1498 પર પહોંચ્યો છે. હાલ અમદાવાદમાં 3675 એક્ટિવ કેસ છે.