ગુજરાત સરકારના આ નિર્ણયને પરિણામે સરકારની આ વર્ષની આવકમાં અંદાજે રૂ.1500 થી 1800 કરોડની આવક વધે તેવી શક્યતા છે. ગુજરાતમાં પેટ્રોલનો વધારા સાથેનો આજનો ભાવ રૂ. 74.34 છે. જ્યારે ડિઝલનો વધારા સાથેનો ભાવ રૂ. 72.68 થયો છે. કોરોના વાયરસના ચેપને કારણે કરાયેલા લોકડાઉનની અસર હેઠળ ગુજરાત સરકારની વેરાની આવકમાં અંદાજે રૂ. 24,500 કરોડથી રૂ.26000 કરોડનું ગાબડું પડવાની શક્યતાને પગલે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં લિટરદીઠ રૂ. 2-2નો વધારો કરાયો છે.
ઓઇલ કંપનીઓએ સતત 10માં દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો હતો. ગઈ કાલે 15મી જૂને એક લિટર પેટ્રોલના ભાવમાં 48પૈસા અને એક લિટર ડીઝલના ભાવમાં 23 પૈસાનો વધારો કરાયો હતો. લોકડાઉનને પગલે 82 દિવસ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ દૈનિક ફેરફાર કરાયો ન હતો. પેટ્રોલ અને ડીઝલનો ભાવવધારો સમગ્ર દેશમાં લાગુ પડે છે પણ અલગ અલગ રાજ્યોમાં વેટનો દર અલગ અલગ હોવાથી દરેક રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અલગ અલગ જોવા મળે છે.
અત્યાર સુધી કરાયેલા નવ વખતના વધારામાં એક લિટર પેટ્રોલના ભાવમાં પાંચ રૂપિયા અને એક લિટર ડીઝલના ભાવમાં 4.87 રૂપિયાનો વધારો કરાયો છે. આ ભાવ વઘારામાં ગુજરાત સરકારે બે-બે રૂપિયાનો વધારો કરતાં છેલ્લા 10 દિવસમાં 7 રૂપિયાનો કમરતોડ વધારો થયો છે.