અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. જોકે, અમદાવાદમાં છેલ્લા થોડા દિવસથી કોરોનાના કેસોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. બીજી તરફ સુરતમાં અત્યારે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે હવે અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે. તેમજ સુરતથી અમદાવાદ આવતાં લોકોનું કડક સ્કેનિંગ શરૂ કરાયું છે.


શહેરમાં પ્રવેશ કરતા રસ્તા પર પોલીસ અને હેલ્થની ટીમોએ કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાદના પ્રવેશ પર રેપીડ ટેસ્ટથી ચકાસણી કરવામાં આવી રહી છે. સુરત પાર્સીંગ વાળા વાહનો અમદાવાદમાં પ્રવેશ થાય તે પહેલા તેનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. એક ગુજરાતી વેબસાઇટના અહેવાલ પ્રમાણે સવારથી બપોર સુધીમાં 100 જેટલા લોકોનું ચેકિંગ કરાયું હતું. તેમાંથી 9 લોકોને કોરોના પોઝિટવ આવતાં હોસ્પિટલ કે હોમ આઇસોલેશનમાં મોકલાયા છે.