અમદાવાદ: ગુજરાત સરકારના નવા ટ્રાફિકના નિયમો બન્યા બાદ ગુજરાત પોલીસ અને પ્રજા આમને સામને આવી ગઈ હોય તેવી એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે. પોલીસ પર હુમલો તો ક્યાંક પોલીસ દ્વારા પ્રજા ઉપર હુમલો કરવામાં આવી રહ્યો છે. શનિવારે પ્રહલાદનગર વિસ્તારમાં બે યુવતીઓ ખરીદી કરવા પહોંચી હતી ત્યારે ત્યાં અડચણ રૂપ એક્ટિવા પાર્ક કરેલ હતું જેથી પોલીસે તેને જવાબદારીના ભાગરૂપે ત્યાંથી વાહન ટોઈંગ કરી પ્રહલાદનગર ટોઈંગ સ્ટેશન લઈ ગઈ હતી.

ત્યાર બાદ બન્ને યુવતીઓ વાહન છોડાવવા માટે ટ્રાફિક બુથ સુધી પહોંચી હતી જ્યાં બન્ને યુવતીઓએ પોલીસને શરૂઆતમાં ત્યાં પડેલ ફોર વ્હીકલ શા માટે ટોઈંગ નથી કરતાં તેવું કહી બન્ને યુવતીઓ આક્રોશમાં આવી પોલીસકર્મી સાથે હાથપાઈ કરી અને બન્ને આમને સામને આવી ગયા હતા.

બન્ને યુવતીઓના આક્ષેપ પ્રમાણે, પોલીસે બન્ને યુવતીઓ સાથે હાથપાઈ કરી બિભસ્ત વર્તન કર્યું હતું અને ગાળો પણ બોલી હતી. ત્યારે સમગ્ર ઘટનામાં હાલ પોલીસ પણ સામે બન્ને યુવતીઓ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, શરૂઆતમાં બન્ને યુવતીઓને સમજાવવામાં આવી કે ફોર વ્હીકલ ટોઈંગ કરવાની જવાબદારી અન્ય વિભાગની આવે છે. સામે આપનું વાહન અડચણ રૂપ હતું જેથી અમે વાહન ટોઇંગ કર્યું હતું.

નિયમો પ્રમાણે 750 રૂપિયા દંડ ભરવાનું કહ્યું હતું જે સાંભળી બન્ને યુવતીઓ ગુસ્સે ભરાઈ હતી અને પોલીસ ઉપર હુમલો કર્યો હતો જેમાં બેઝ અને ડ્રેસ ફાડી નાખ્યો હતો. જોકે હાલ પોલીસકર્મીએ પણ બન્ને યુવતીઓ સામે ફરિયાદ નોંધાવવાની તૈયારીઓ દર્શાવી છે.

સમગ્ર ઘટનામાં હાલ પોલીસ અને બન્ને યુવતીઓ આમને સામને છે. આક્ષેપ પ્રતિ આક્ષેપો પણ થઈ રહ્યા છે ત્યારે હવે પોલીસ સમગ્ર ઘટનામાં બુથની આજુબાજુના CCTV મેળવી ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરશે. પરંતુ ઘટનામાં એક વાત સ્પષ્ટ છે કે, રાજ્યના નવા ટ્રાફિક નિયમો તો બની ગયા છે પરંતુ તેનો સીધો ભોગ શહેરની જનતા અને પોલીસ બની રહી છે.