અમદાવાદ: શહેરના ગિરધર નગર સર્કલ પાસે આર્કેડ ગ્રીનમાં આગની ઘટના સામે આવી છે. બિલ્ડીંગના પાંચમા માળે આગ લાગી છે. B73મા આગ લાગી હતી. આ આગની ઘટનામાં એક કિશોરીનું મોત થયું છે. જ્યારે ઘરના અન્ય સભ્યોનો બચાવ થયો છે. આ ઘટના અંગે સામે આવેલી વિગતો અનુસાર ડ્રોઈંગ રૂમની પાછળ બાથરૂમ હતો. જેમાં ગીઝરમાં શોટ સર્કિટના કારણે આગ લાગી હતી. ઇલેક્ટ્રોનિક ગીઝરના વાયરિંગમાં સ્પાર્ક થતા ધડાકો થયો હતો. જેના કારણે આગ લાગી હતી. ફાયર વિભાગના પ્રાયમરી તારણમાં શિયાળાના કારણે ઇલેક્ટ્રિક સપ્લાયમાં ઓવરલોડિંગ થયું હતું જેના કારણે સ્પાર્ક થયો હોવો જોઈએ. ઘટનાની જાણ થતા ફાયરની 11 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે.
સુરતમાં શાકમાં મિઠું વધુ પડી જતા પતિએ પત્નીને ઘરમાંથી કાઢી મૂકી
સુરત: ત્રિપલ તલાકનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જેને લઈને પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. પતિએ શાકમાં મીઠું વધું પડતાં પત્નીને ઘરમાંથી કાઢી મૂકી હતી. પત્નીએ પતિને ફોન કરી ખબરઅંતર પૂછ્યા તો તેમણે ફોન પર કહ્યું, તલાક! તલાક! તલાક!
હવે આ મામલો ઉધના પોલીસ મથકે પહોંચ્યો છે. નાનપુરા કાદરશાની નાળમાં રહેતી ૨૨ વર્ષીય યુવતીના લગ્ન આંજણા ફાર્મમાં રહેતાં અનિશ મુસ્તાક શાહ સાથે થયા હતા. એક મહિના બાદ આ યુવતીને પતિનું અન્ય યુવતી સાથે અફેયર હોવાની શંકા જતાં ઘરમાં કંકાસ શરૂ થયો હતો. એક વખત શાકમાં મીઠું વધુ પડી જતાં પતિ અને સાસરીયાઓ ઝઘડો કરી તેને ઘરમાંથી કાઢી મૂકી હતી. દહેજનાં પાંચ લાખ રૂપિયા લાવે તો જ ઘરમાં લાવવાનું કહી પિયર મોકલી અપાઇ હતી.
તો બીજી તરફ ગત ડિસેમ્બર મહિનમાં પતિ અનિશની તબિયત ખરાબ હોવાનું જાણવા મળતાં યુવતીએ પાડોશીના ફોનથી પતિને ખબર અંતર પૂછવા કોલ કર્યો હતો. ફોન ઉપર જ પોતાને તેડી જવાની વાત કહેતાં પતિએ આવેશમાં આવી તલાક! તલાક! તલાક! કહી છૂટાંછેડાં આપી દેતાં યુવતી હેબતાઈ ગઈ હતી. પોતાની સાથે થયેલાં અન્યાયને લઇને તેણે પતિ અને સાસરીયાઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
મોરબીમાં ફાયરિંગ
મોરબીના હળવદમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. આ ફાયરિંગની ઘટનામાં બંસીધર ઓઇલ મિલના મલિક લક્ષ્મણભાઇ વરૂનું મોત થયું છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર લાઇસન્સ વાળી રીવોલ્વરની સફાઈ કરતી વખતે ફાયરિંગ થયું છે. ફોરેન્સિક પીએમ માટે મૃતદેહને રાજકોટ લાવવામાં આવ્યો છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે.
સુરત વેડ રોડ પર અસામાજિક તત્વોનો આતંક
સુરત વેડ રોડ પર અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો, અહીં ઘરમાં ઘૂસીને હુમલાખોરોએ તલવાર વડે ત્રણ લોકો પર જીવલેણ હુમલો કર્યો. નજીવી બાબતે હુમલો કરાયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. સુરતના વેબ રોડ પર નજીવી બાબતે હુમલાખોરો ઘરમાં ઘૂસ્યા અને તલવાર અને અન્ય ઘાતક હથિયાર વડે ઘરમાં મોજૂદ ત્રણ લોકો પર જીવલેણ હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા છે. ઘટનાની જાણ થતાં ચોક બજાર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે. હુમલો એટલો ખતરનાક હતો કે, પીડિતનું આખા ઘરની ટાઇલ્સ લોહી લુહાણ થઇ ગઇ હતી. ઘરના સમગ્ર દ્રશ્યો જોયા બાદ કહી શકાય કે, હત્યાના ઇરાદાથી જ આવ્યાં હતા.