અમદાવાદ: શહેરમાં ઘણા દિવસથી વિપક્ષ નેતાના પદને લઈને વિવાદ ચાલી રહ્યો છે. જેના કારણે અનેક વખત મોવડી મંડળ સુધી રજુઆત કરવામાં આવી છે. જો કે, હજુ સુધી આ વિવાદ શાંત થયો નથી. જો કે, હવે મામલો બહુ આગળ વધી ગયો છે અને જાનથી મારી નાખવાની ધમકી સુધી પહોંચી ગયો છે. આ મામલે ચાંદખેડાના મહિલા કાઉન્સિલરે ફરિયાદ નોંધાવી છે.


કોંગ્રેસના કોર્પોરેટર રાજશ્રી કેસરીએ બે શખ્સ વિરુદ્ધ  ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે. સોશ્યલ મીડિયા ઉપર બે શખ્સ દ્વારા ધમકી અપાતી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વિપક્ષ નેતાના પદ માટેની રેસમાંથી હટાવવા અને એસિડ હુમલો કરવાની ધમકી મળી હોવાનો પણ FIR માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઈમ્તિયાઝ શેખ અને જમશેદ શેખ નામના બે શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદને પગલે રાજકારણ ગરમાયું છે. જો કે, હજુ સુધી એ વાત સામે નથી આવી કે, આ બન્ને શખ્સોએ કોના ઈશારે મહિલા કોર્પેરેટરને ધમકી આપી. પોલીસ તપાસ બાદ જ આ સમગ્ર મામલે સત્ય બહાર આવશે.


સાંસદ પૂનમ માડમે રિવાબાને આપી જન્મ દિવસની શુભકામના


આજરોજ ધારાસભ્ય રિવાબા જાડેજાનો જન્મદિવસ અનોખી રીતે ઉજવવામાં આવ્યો હતો. આ નિમિત્તે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, સાંસદ પૂનમ માંડમ અને જામનગરના મેયર પણ ઉપસ્થિતિ રહ્યા હતા. થોડા દિવસ પહેલા થયેલા વિવાદ બાદ આ ત્રણેય મહિલા નેતાઓ એક સાથે જોવા મળ્યા હતા. આજે જામનગર ખાતે સપ્તરંગી સેવા –યજ્ઞ મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રંસગે 78 જામનગર ઉત્તર વિધાનસભામાં દરેક વોર્ડમાં આધારકાર્ડમાં સુઘારો, આયુષ્યમાન કાર્ડ કઢાવી આપવા, જન ધન બેંક ખાતા ખોલાવી આપવા સહિતના જન સેવા કેમ્પનું ઉદ્ધાટન પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યું . 


આ પ્રસંગે સાંસદ પુનમ માડમે સંબોધન કરતા જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર  તેનો જન્મદિવસ સેવાયજ્ઞના માધ્યમથી ઉજવતો હોય છે ત્યારે આજે ધારાસભ્ય રિવાબા જાડેજાના જન્મદિવસ પ્રસંગે આજે સેવાકીય કાર્યક્રમ યોજાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી  હમેંશા કાર્યકર્તાઓ પાસે તેમના જન્મદિવસે સેવાકીય પ્રવૃતિ કરવા પ્રેરણા આપતા રહ્યા છે. આજે ધારાસભ્ય  રિવાબાએ તેમનો જન્મદિવસ પણ સેવાકીય પ્રવૃતિ કરી ઉજવ્યો છે. આજે આ કાર્યક્રમમાં કેન્દ્ર અને રાજય સરકારની યોજનાઓનો લાભ વધુમાં વધુ પહોંચે તેવો પ્રયત્ન થઇ રહ્યો છે. 




આ પ્રસંગે પ્રભારી મંત્રી મુળુ બેરાએ રિવાબા જાડેજાને જન્મદિન નિમિત્તે શુભકામના પાઠવતા જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર સત્તામા નહી પણ જવાબદારી પુર્વક જનતાને કેવી રીતે મદદ કરી શકે તેના સંસ્કાર મળતા રહ્યા છે. કેન્દ્ર અને રાજય સરકારની યોજના જાણકારી છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે પ્રદેશ અધ્યક્ષનું માર્ગદર્શન મળતુ હોય છે.  આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સંબોધન કરતા જણાવ્યું કે, આજે ધારાસભ્ય રિવાબા જાડેજાના જન્મદિવસ નિમિતે સેવાકીય કાર્યક્રમ યોજાયો છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ક્યારેય સામાન્ય હોતો નથી પણ સામાન્ય વ્યકિત છે. ધારાસભ્ય રિવાબા જાડેજાએ 1251 જેટલા અલગ અલગ લાભાર્થીઓને મદદરૂપ થવાનો કાર્યક્રમ યોજ્યો. 


પાટીલે વધુમાં જણાવ્યું કે દેશમાં લોકસભા ચૂંટણી આવી રહી છે ત્યારે વિરોઘી પાર્ટીઓ એક થઇ છે પરંતુ કેટલીક વિરોધી રાજકીય પાર્ટીઓ પાસે તો કોઇ પ્રતિનિધિત્વ કરી શકે તેવો કાર્યકર જ નથી અને તેમને વિશ્વાસ પણ છે કે આ ચૂંટણીમાં તેમનો ઉમદેવાર ચૂંટાઇને આવવાનો નથી. ઇન્ડિયાના નામે ફંડ ભેગુ કરવા જોડાઇ ગયા હોય તેમ લાગે છે. દેશની જનતા તેમના કામને જાણે છે. આજે મતદાર જાગૃત છે. દેશને નુકશાન કરવાવાળાને જનતા ક્યારેય માફ કરતી નથી. કેટલાક રાજકીય લોકોને કેટલાક અભરખા થતા હોય છે અને આ અભરખા પુરા કરવા આપણો દેશ યોગ્ય સ્થળ છે તેમ તેમને લાગતું હોય છે.