અમદાવાદઃ શહેરના બાપુનગરમાં યુવતી પોતાના ઘરમાં સ્નાન કરી રહી હતી ત્યારે મકાન માલિકના દિકરાએ મોબાઈલથી આ યુવતીનો સ્નાન કરતો વીડિયો બનાવ્યો હતો. જોકે, યુવતી મોબાઈલમા વીડિયો બનતાં જોઈ જતાં વીડિયો ઉતારનાર યુવક નાસી ગયો હતો. આ અંગે યુવતીએ મકાન માલિકને તેમના પુત્રની હરકતો વિશે જાણ કરી હતી. જોકે, તેઓએ સમગ્ર બાબતને સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો. આથી યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે મકાનમાલિકના પુત્ર સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.


મળતી વિગતો પ્રમાણે, ફરિયાદી યુવતી બપોરે બાર વાગ્યાની આસપાસ ઘરની ચોકડીમાં સ્નાન કરવા બેઠી હતી. આ સમયે યુવીતએ ઘરની દિવાલ પર લગાવેલ લોખંડની જાળીમાં મોબાઈલ જોયો હતો. આથી તેણે કોણ વીડિયો ઉતારે છે એવી બૂમો પાડવા માંડી હતી. યુવતી મોબાઈલના ફોટાનું કવર જોતાં સમજાઈ ગયું હતું કે આ તેના મકાન માલિકનો પુત્ર છે. આ પછી યુવતી કપડા પહેલી બહાર આવી હતી અને આસપાસ લોકોને તેમના ઘર પાસેથી કોઈ અવરજવર કરતું જોવા મળ્યું કે નહીં તે અંગે પુછ્યું હતું. જોકે, કોઈને ત્યાંથી પસાર થનાર વ્યક્તિ જોવા મળી નહોતી.

આ અંગે યુવતીએ મકાન માલિકને પણ પૂછ્યું હતું. તેમજ મકાન માલિકના બંને દીકરાના મોબાઈલ ફોન જોવા માંગ્યા હતા. જોકે નાના દીકરાના મોબાઇલ પર ફોનનું કવર લાગેલું નહોતું. આ અંગે મકાન માલિકે કવર જૂનું થઈ હોવાથી કાઢી નાંખ્યું હોવાનું જણાવ્યું હતું. તેમનો નાનો દીકરો મોબાઈલ ફોન બતાવતા પણ ડરતો હતો. જેથી યુવતીએ તેણે કહેલું કે તમે કોઈ ગંદુ કામ કર્યું નથી તો કેમ ડરો છો. આમ યુવતીએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા બાપુનગર પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. પોલીસે ફોનમાં તપાસ કરતા યુવતીનો અશ્લીલ વીડિયો બનાવી ડિલીટ કરી નાખ્યો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ગુનો નોંધી વીડિયો ઉતારનાર મકાનમાલિકના પુત્રની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.