Ahmedabad News: સુરત બાદ અમદાવાદમાં પણ બાઇકમાંથી સાપ નીકળવાની ઘટના સામે આવી છે. ઈન્કમ ટેક્સ ચાર રસ્તા પાસેથી યુવક બાઇક લઇને પસાર થતો હતો ત્યારે અચાનક બાઇકના બોનેટમાં ફસાયેલો સાપ પેટ્રોલની ટાંકી પર આવી ગયો હતો. જેને લઈ બાઇક ચાલક ગભરાઈ ગયો હતો અને રોડ પર ફેંકી દીધી હતી. બાદમાં એનિફલ વેલફેર દ્વારા સાપનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. નિષ્ણાતોના મતે આ સાપ કાળોતર પ્રજાતિનો હતો. ગુરુવારના રોજ આ ઘટના બની હતી.




યુવક બાઈક લઈને ઇન્કમટેક્સ ચાર રસ્તા પાસે પસાર થતો હતો ત્યારે એકદમ જ સાપ ટાંકીના ભાગે ઉપર આવી જતાં તાત્કાલિક તેણે બાઈકને ફેંકી દીધી અને નીચે પછડાયો હતો. સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા. તાત્કાલિક જાણ કરતાં એનિમલ રેસ્ક્યૂ ટીમના વિજય ડાભી ત્યાં પહોંચ્યા હતા. બાઈકચાલક યુવક ખૂબ જ ડરેલો હતો અને લોકોનું ટોળું ઊમટી પડ્યું હતું. સાપ બાઈકના બોનેટના ભાગમાં ફસાઈ ગયેલો હતો. તાત્કાલિક એને સ્નેકટોનની મદદથી રેસ્ક્યૂ કરવામાં આવ્યો હતો.




આ સર્પના દંશથી વ્યક્તિનું થઈ શકે છે મોત


રેસ્ક્યૂ કરાયેલો સાપ કાળોતરો ઝેરીમાં ઝેરી સાપ છે. એમાં ન્યુરોટોક્સિન નામનું ઝેર હોય છે, જે માણસના જ્ઞાનતંતુ પર અસર કરે છે. સ્નેક બાઈટ થવાથી જો સમયસર માણસ હોસ્પિટલ ન પહોંચે તો તેનું મૃત્યુ પણ થઈ શકે છે. કાળોતરા સાપની ભારતમાં સૌથી ઝેરી સાપમાં ગણતરી કરવામાં આવે છે. કાળતરો સાપ જે દોઢ ફૂટનો હતો, એનુ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. સ્થાનિકોને સાપ પ્રત્યેની માહિતી પૂરી પાડી હતી. બાઈક પર સાપ જોવા મળતાં દોડધામ મચી ગઈ હતી. સ્થાનિક લોકોને વિજય ડાભીએ ભયમુક્ત કર્યા હતા. જાતે ક્યારેય પણ ઓળખ વગર સાપ નહીં પકડવાની સુચના આપી હતી.




હાલમાં વરસાદની સીઝન ચાલી રહી છે ત્યારે સાપના દરમાં પાણી જતાં તેઓ બહાર આવે છે અને જગ્યા ન મળવાથી વાહનોના ગેપમાં પહોંચી જાય છે. જેના કારણે વાહન ચાલક ડ્રાઇવિંગ વખતે અચાનક સાપ જુએ તો ઘણી વખત ગભરાઈ જાય છે અને આ કારણે અકસ્માતની પણ શક્યતા રહે છે. થોડા દિવસો પહેલા સુરતમાં એક્ટિવામાં સાપ જોવા મળ્યો હતો. વેસુના સફલ સ્કવેર પાસે ઉભેલી એક્ટિવાના હેન્ડલ પાસે લીલા રંગનો સાપ જોવા મળ્યો હતો. જે બાદ વાહન ચાલક દ્વારા પ્રયાસ જીવદયા સંસ્થાને જાણ કરવામાં આવી હતી.  પ્રયાસ સંસ્થાના સ્વયંસેવકોએ સ્થળ પર પહોંચીને સલામત રીતે સાપને બહાર કાઢી રેસ્ક્યુ કર્યો હતો. જે બાદ એક્ટિવા ચાલકના જીવમાં જીવ આવ્યો હતો.