Gujarat AAP New Organization :  ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ તેના નવા સંગઠન માળખાની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રભારી સંદીપ પાઠકે નવું માળખું જાહેર કરતા કહ્યું કે નાગરિકો આમ આદમી પાર્ટીને એક વિકલ્પ તરીકે જોઈ રહ્યાં છે. નવા માળખામાં ઈસુદાન ગઢવી અને ઇન્દ્રનીલ રાજ્યગુરુને કેન્દ્રીય સંગઠનમાં સમાવવામાં આવ્યાં છે.  ઈસુદાનને નેશનલ સેક્રેટરી બનાવાયા છે, તો ઇન્દ્રનીલ રાજ્યગુરુને નેશનલ જોઈન્ટ સેક્રેટરી બનાવાયા છે. 


નવા સંગઠન માળખામાં 850 લોકોનો સમાવેશ 
આમ આદમી પાર્ટીના ગુજરાતના નવા સંગઠન માળખામાં 850 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એક વિધાનસભા વિસ્તારમાં 4 લોકોને જવાબદારી સોંપાઈ છે. દરેક ગામમાં 11 લોકોની ટીમ બનાવવામાં આવી છે. હજુ સંગઠનની બીજી બે યાદીઓ બની રહી છે. પ્રભારી સંદીપ પાઠકે કહ્યું કે આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે મુખ્યમંત્રીનો ચેહરો જાહેર કરાશે. 


ચાર ઉપાધ્યક્ષની જાહેરાત
આમ આદમી પાર્ટીએ ગુજરાતના નવા સંગઠનમાં ચાર પ્રદેશ ઉપાધ્યક્ષના નામોની જાહેરાત કરી છે. જગમાલ વાળા, સાગર રબારી, રીનાબેન રાવલ, અને અર્જુન રાઠવાને  પ્રદેશ ઉપાધ્યક્ષ બનાવાયા છે. 


વિવિધ સેલ, વિંગ અને મોરચાના અધ્યક્ષની જાહેરાત 
જીતેન્દ્ર ઉપાધ્યાયને એજ્યુકેશન સેલના અધ્યક્ષ, બિપિન ગામેતીને બિરસા મુંડા મોરચાના અધ્યક્ષ, વેમા ચૌધરીને સહકારી વિંગના અધ્યક્ષ, મહેશ કોલસાવાળાને જયભીમ મોરચાના અધ્યક્ષ, રજુ કરાપડાને કિસાન વિંગના અધ્યક્ષ, પ્રણવ ઠક્કરને લીગલ વિંગના અધ્યક્ષ અને આરીફ અંસારીને સ્પોર્ટ્સ વિંગના અધ્યક્ષ બનાવાયા છે.