અમદાવાદ સિવિલમાં એક વિચિત્ર કિસ્સો જોવા મળ્યો હતો. આ કિસ્સામાં ઊલટી અને પેટમાં દુખાવાની ફરિયાદ બાદ દાખલ કરાયેલી એક મહિલાનાં આંતરડામાંથી માછલીઘરમાં રખાય છે તેવા 17 લીસ્સા કાળા પથ્થર કાઢવામાં આવ્યા હતાં જે જોઈને પહેલા તો ચોંકી ગયા હતાં.


સિવિલના સર્જરી વિભાગના યુનિટના વડા ડો. નિતીન પરમાર જણાવ્યું હતું કે, નવા વાડજની 52 વર્ષની મહિલાને છેલ્લા ઘણાં સમયથી પેટમાં દુઃખાવાની અને ઉબકાની તકલીફ હતી. 10 જાન્યુઆરીએ તેને પ્રાથમિક સારવાર બાદ સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવી હતી. ડો.કલ્પેશ પટેલ અને ડો. દિનેશ પરમારે એક્સ-રે રિપોર્ટમાં આંતરડામાં પથ્થર હોવાનું જણાતા સિટી સ્કેન પણ કરાવ્યું હતું.

સીટી સ્કેનના આ રિપોર્ટમાં 10થી 15 જેટલી પથરી હોવાનું જણાતાં ડોક્ટરો પણ ચોંકી ગયા હતાં. ત્યાર બાદ 3 કલાક સુધી સર્જરી કરીને મહિલાને દર્દમુક્ત કરવામાં આવી હતી.

સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ડો.જી.એચ.રાઠોડના જણાવ્યા પ્રમાણે, મહિલાની સર્જરીમાં નાનુ આંતરડુ ખોલ્યું ત્યારે તેના માછલીઘરમાં રખાતા લીસા કાળા પથ્થર નીકળ્યા હતા. એક બાદ એક એમ 17 લિસ્સા પથ્થર કાઢવાની સાથે નાના આંતરડાનો કેટલોક ભાગ પણ કાપવો પડ્યો હતો. 3 કલાકની સફળ સર્જરી બાદ મહિલા હવે સ્વસ્થ છે. હાલમાં સિવિલમાં સારવાર હેઠળ છે. અંદાજે ત્રણ દિવસમાં રજા પણ આપી દેવામાં આવશે.