અમદાવાદઃ અમદાવાદમાં પતિ લગ્ન પછી શરીર સુખ માણી શકતો ન હોવાથી યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. યુવતીએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, લગ્નના 10 દિવસ પછી પણ પતિ શારીરિક સંબંધ બાંધવા સક્ષમ ન હોવાથી પત્નીએ પૂછતા પતિ નપુંસક હોવાનું જાણવા મળ્યું હતુ. યુવતીએ સાસુ-સસરાને ફરિયાદ કરતા ઉડાઉ જવાબ મળ્યો હતો કે, તારા માબાપે લગ્ન પહેલાં તપાસ કરી લેવાની જરૂર હતી. પતિએ જવાબ આપ્યો હતો કે, મેં વાંઢાપણું દૂર કરવા જ તારી સાથે લગ્ન કર્યા છે અને મારામાં શરીર સંબંધ બાંધવાની ક્ષમતા જ નથી.
શાહીબાગમાં રહેતી યુવતીનાં લગ્ન 1 ડીસેમ્બર, 2020ના રોજ મુંબઈના યુવક સાથે થયાં હતાં. લગ્ન બાદ યુવતી 10 ડિસેમ્બરે મુંબઈ ગઈ અને પતિ, સાસુ, સસરા અને દિયર સાથે રહેતા હતા. લગ્નના 10 દિવસ બાદ પણ પતિ શારીરિક સુખ આપી ના શકતાં યુવતીએ પૂછતાં પતિએ કહ્યું હતું કે, હું નપુસંક છું અને લગ્ન કરવા નહોતો માંગતો પણ નાના ભાઈના લગ્ન થઇ ગયા છે અને તેને બાળક પણ છે એટલે વાંઢાપણું દૂર કરવા લગ્ન કર્યા છે.
યુવતીએ સાસુ-સસરાને ફરિયાદ કરતાં તેમણે પણ કહ્યું હતુ કે, અમે સમાજમાં પ્રતિષ્ઠા જાળવવા જ લગ્ન કરાવ્યા છે. પુત્ર નપુંસક હોવાનો ભાંડો ફૂટી જતા સાસુ - સસરાએ તેને કહ્યું હતું કે, ત્રણ મહિના તારા પિયર રહેવા જતી રહે અને એ પછી અમે તને છૂટાછેડા આપી દઈશું. ફોઈ સાસુ કહેતા કે પહેલાં તું છૂટાછેડાના કાગળો ઉપર સહીઓ કર પછી જ તને તારા કપડાં, દાગીના સહિતનો સામાન પાછો આપીશું. તેમણે આ બધું કોઈને નહીં કહેવા માટે ત્રાસ આપીને હેરાન પરેશાન કરતા હતા.
પતિ નપુસંક હોવાથી યુવતી પિયર આવી ગઈ હતી. દરમિયાનમાં સમાજમાં આબરૂ જવાના ડરે સાસરિયાંએ છૂટાછેડા માટે દબાણ શરૂ કર્યું હતું. યુવતીના પરિવારે વિનંતી કરતાં સમાજના આગેવાનોએ મધ્યસ્થી કરી હતી. પરંતુ સાસરિયાં વાત કરવા તૈયાર ન હોવાથી યુવતીએ પતિ, સાસુ, સસરા, દિયર અને ફોઈ સાસુ સામે વેસ્ટ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.