અમદાવાદઃ શહેર કોટડા વિસ્તારની પરણીતાને પરિચીત યુવક લગ્નની લાલચ આપીને આબુ લઈ ગયો હતો અને અહીં તેને રૂમમાં ગોંધી રાખી પરાણે વારંવાર શરીરસુખ માણ્યું હતું. પરિણીતાને તેની બાળકી સાથે રૂમ ભાડેથી રાખીને ગોંધી રાખ્યા હતા. જોકે, પરણીતા લાગ મળતાં ત્યાંથી ભાગી છૂટી હતી અને અમદાવાદ પરત આવી ગઈ હતી. આ પછી તેણે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ફરિયાદ કરતાં સમગ્ર ઘટના સામે આવી છે.
સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે, પૂર્વ વિસ્તારમાં પરણીતા પરિવાર સાથે રહેતી હતી. પતિ મજૂરી કરીને ઘર ચલાવતો હતો. દરમિયાન પરણીતા એક પરિચીત યુવકના સંપર્કમાં આવી હતી. તેણે યુવતીને તેનો પતિ ગરીબ હોવાનું કહીને ગરીબીમાંથી બહાર લાવવાની લાલચ આપી હતી.
યુવકે તેને લગ્નની લાલચ આપીને 8 વર્ષની બાળકી સાથે આબુ લઈ ગયો હતો. જોકે, પરણીતાને અહીં પહોંચ્યા પછી ખબર પડી હતી કે, યુવક પહેલાથી પરણીત છે. એટલું જ નહીં, તેની પત્ની જતી રહી હોવાથી તેને ફસાવી તેનો ઉપયોગ કરતો હતો. યુવકે યુવતીને આબુમાં એક રૂમમાં રાખી હતી તેમજ અહીં તેની સાથે પરાણે વારંવાર શારીરિક સંબંધ બાંધતો હતો.
યુવક પરણીતા અને બાળકીને એક રૂમમાં પૂરી રાખતો હતો. એક દિવસ મોકો જોઇને પરણીતા ત્યાંતી ભાગી ગઈ હતી અને બાળકી સાથે અમદાવાદ આવી ગઈ હતી. અહીં પરણીતાએ યુવક સામે બળાત્કારની ફરિયાદ કરતાં પોલીસે આરોપીને પકડવા પ્રયાસ હાથ ધર્યા છે.
સુરતમાં યુવતીને પ્રેમજાળમાં ફસાવી બિલ્ડરે શરીર સંબંધ બાંધ્યા હોવાની ઘટના સામે આવી છે. પરણીત હોવાનું છુપાવી લીવ ઈનના કરાર પણ બનાવ્યાં હતા. બિલ્ડરનો ભાંડો ફૂટતાં કહ્યું, તું ગમતી નથી કહીને ઢોર માર્યો હતો. આ અંગે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સંજય પોકળની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની વિગતો એવી છે કે, સણીયા-હેમાદ વિસ્તારમાં રહેતી 40 વર્ષીય યુવતી બિલ્ડરની સોસાયટીમાં ભાડેથી રહેતી હતી, ત્યારે તેના સંપર્કમાં આવી હતી. બિલ્ડર પોતે સોસાયટીનો પ્રમુખ હોવાથી અવાર-નવાર સંપર્કમાં આવતાં હતા. આ સમયે બિલ્ડરે પોતે અપરણીત હોવાનું કહીને યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી.
યુવતીના છૂટાછેડા થઈ ગયા છે તેમજ પોતે ઘરમાં સાડી વર્કનું કામ કરી 16 વર્ષીય પુત્ર અને 12 વર્ષીય દીકરીનું ભરણ પોષણ કરે છે. 3 વર્ષ પહેલા બિલ્ડર સાથે તેને સંબંધ બંધાયા હતા. બિલ્ડરે યુવતીને લગ્નની લાલચ આપી અવાર-નવાર ઘરે તેમજ મિત્રના ફાર્મ હાઉસ અને ડુમસની હોટલમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યા હતા.
એટલું જ નહીં, બિલ્ડર સાથે તેને લિવ-ઇનના કરાર કર્યા હતા તેમજ સણીયા હેમાદના ફ્લેટમાં બંને પતિ-પત્નીની જેમ રહેતા હતા તેમજ પ્રસંગોમાં પણ તેઓ એવી જ રીતે વર્તતા હતા. દરમિયાન બિલ્ડરની પત્નીને પતિની કરતૂત ખબર પડી ગઈ હતી તો પ્રેમિકાને પણ ખબર પડી જતાં બિલ્ડરે પત્ની ગમતી નથી અને છૂટાછેડા આપી દેવાના છે, તેમ કહ્યું હતું અને લીવ ઇનનો કરાર બનાવ્યો હતો.
જોકે, થોડા દિવસ પછી બિલ્ડર દારૂ પીને આવ્યો હતો અને બાળકોની સામે જ પ્રેમિકાને માર માર્યો હતો તેમજ સંતાનોને મારી નાંખવાની ધમકી આપી તરછોડી દીધી હતી. આ અંગે ભોગ બનનાર યુવતીએ પોલીસ ફરિયાદ કરતાં સમગ્ર ઘટના સામે આવી છે. પોલીસે બિલ્ડરની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.