અમદાવાદઃ શહેરના પીરાણા પીપળજ રોડ પર આવેલી કેમિકલ ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટથી આગ ફાટી નીકળી હતી. જેના લીધે બાજુમાં આવેલા બે ગોડાઉનમાં 9 દુકાનોની છત તૂટી પડી હતી. ગઈ કાલે વિસ્ફોટ બાદ આગની ઘટનામાં 12 લોકોની જીદગી હોમાઈ છે, જેમાં એક પરિવારે પોતાના ત્રણ સભ્યોને ગુમાવ્યા છે.

એક જ પરિવારના એન્જેલિના માથુર , માથુર ચાવડા, જેક્વેલિન ક્રિશ્ચિયનના મોત થયા છે. માથુરભાઈ અને એન્જેલિનાબેનને બે બાળકો છે બંન્ને બાળકો અત્યારે નીરાધર થઈ ગયા છે. જેક્વેલિન, માથુરભાઈ અને એન્જિલિનાબેનની ભત્રીજી થાય છે. ત્રણેય લોકો કનિકા કપડાની ગોડાઉનમાં કામ કરતાં હતા. અચાનક જ સ્લેબ ધરાશયી થતાં ગોડાઉનમાંથી ત્રણ સભ્યોનું નિધન થયુ. એન્જલિનાબેનના વ્હાલસોયા દીકરાની બે દિવસ બાદ બર્થ ડે હતી. ઉજવણીની તમામ પ્રકારની તૈયારીઓ કરી દીધી હતી, પરંતુ કોને ખ્યાલ હતો કે એન્જેલિનાબેન આ દુનિયાને અલવિદા કરી દેશે.

આ ગંભીર ઘટના અંગે વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું. જોકે, અમદાવાદના મેયર બીજલ પટેલ સાંજે 6 વાગ્યા સુધી ઘરની બહાર નીકળ્યા નહોતા. તેમણે આ ઘટનાને સામાન્ય ગણાવી હતી. તેમણે આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરીને ઈજા પામેલા લોકોની સારવાર અગત્યની છે એમ કહીને જવાબ આપ્યા વિના હોસ્પિટલમાંથી નીકળી ગયાં હતાં.

વડાપ્રધાન મોદીએ આ અંગે ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યા બાદ તેઓ તાત્કાલિક એલ.જી હોસ્પિટલમાં પહોંચી ગયાં હતાં. તેમણે એલ.જી હોસ્પિટલ પહોંચીને ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોની મુલાકાત લીધી હતી. મુલાકાત બાદ મેયરે પત્રકારો સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે આજે જે ઘટના બની તે દુઃખદ છે. અમદાવાદ વતી હું શોક વ્યક્ત કરું છું. અહીં તમામ હોદ્દેદારો અને મ્યુનિસિપલ કમિશ્નર પણ હાજર છે.

નોંદનીય છે કે, આ દુર્ઘટનામાં 12 લોકોનાં મોત થયાં છે અને 10 લોકો સારવાર હેઠળ છે. ઈજા પામેલા તમામ લોકોને વિનામૂલ્યે સારવાર આપવામાં આવશે. આ દુર્ઘટનામાં 12 લોકોનાં મોત થયાં હોવા છતા મેયર બીજલ પટેલે સામાન્ય ઘટના ગણાવી હતી.