રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે હવે રાજ્ય સરકારે રસીકરણને વધુ વેગવંતુ બનાવવા માટે કમર કસી છે. હવે ખાસ કરીને શાકભાજી, હોટેલ-રેસ્ટોરંટ, ચાની કિટલી, પાનના ગલ્લાવાળા સહિતના દુકાનદારોએ કોરોનાની રસી લીધી નહી હોય તેની સામે દંડ અને શિક્ષાત્મક કાર્રવાઈ કરાશે.
આ ઉપરાંત દુકાનને સીલ મારવા સુધીની કાર્રવાઈ કરવામાં આવશે. જેણે રસી લીધી નહી હોય તેણે આરટી-પીસીઆર નેગેટિવ રિપોર્ટ રાખવો પડશે. અમદાવાદ શહેર અને જિલ્લા કલેક્ટર આ મુદ્દે જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ. રાજકોટ, સુરેંદ્રનગર જિલ્લા કલેક્ટરોએ તો જાહેરનામું પ્રસિદ્ધ કરી દીધુ છે. ખાસ કરીને સુપરસ્પ્રેડરો જેમ કે શાકભાજી-ફ્રુટ વેંચનારા, ચાની કિટલી, પાનના ગલ્લા, રિક્શા ટેક્સ ચાલક, ક્લિનર,હેર સલુન, બ્યુટી પાર્લર, ખાનગી સિક્યોરિટી, પ્લંબર, લુહાર, ઈલેક્ટ્રિશિયન, ઉપરાંત હોટેલ અને રેસ્ટોરંટમાં કામ કરનારાઓને રસી આપવાનું નક્કી કરાયું છે.
આ તમામ વ્યવસાયકારોને રસી લઈ લેવા અપીલ કરવામાં આવશે. જેણે રસી લીધી નહી હોય તેમણે આરટી-પીસીઆર નેગેટિવ રિપોર્ટ રાખવો પડશે. દસ દિવસથી કોરોના નથી તેવો રિપોર્ટ પોલીસ માંગે તો તે રજુ કરવાનો રહેશે. એટલુ જ નહી જેણે રસી લઈ લીધી હશે તેણે પોલીસ માંગે તો રસીકરણનું સર્ટિફિકેટ બતાવવું પડશે.
અમદાવાદમાં કોરોના સંક્રમણ કાબૂમાં આવી રહ્યું છે. આજથી અમદાવાદમાં છૂટછાટ મુજબ મંદિર, મોલ, બગીચાઓ ખૂલી ગયા છે. કોરોના સંક્રમણને લઈને અમદાવાદ કલેક્ટરનું જાહેરનામું પાડવામાં આવ્યું છે. જે મુજબ અમદાવાદમાં શાકભાજી, દુકાનદારો, ચા વાળા, લારીવાળા, હોટલવાળા માટે વેક્સીન મૂકાવવી કમ્પલસરી કરાઈ છે.
રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં એક હજારથી પણ ઓછા નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 544 કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે 11 દર્દીના મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9976 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 1,505 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ સાજા થવાનો દર 97.23 ટકા છે.