અમદાવાદ: અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં રેમડેસિવિર ઈન્જેક્શન માટે લાઈન લાગી છે. ઝાયડસમાં 900 રૂપિયામાં ઈન્જેક્શન મળતું હોવાથી સવારથી 200થી વધુ લોકોની લાઈનો લાગી છે. અમદાવાદ કોરોનાનું હોટસ્પોટ બન્યું છે. શહેરમાં કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે ઈન્જેક્શન માટેની આ લાગેલી લાઈન પરથી સમજી શકાય કે અમદાવાદ શહેરમાં કોરોનાથી પરિસ્થિતિ કેટલી ગંભીર હશે. 


રાજ્યમાં કોરોનાના કેસમાં વધતા RTPCR ટેસ્ટ કરાવનાર નાગરિકોની સંખ્યામાં ઉછાળો આવ્યો છે. લેબોરેટરીમાં RT-PCR રિપોર્ટ મોડામાં મોડો 24 કલાક સુધીમાં મળતો હતો. તેને આવતા હવે 36થી 48 કલાકનો સમય લાગી રહ્યો છે. લોકોને અર્જન્ટ રિપોર્ટ મેળવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. સુરત, વડોદરા, અમદાવાદ, રાજકોટ સહિતના શહેરોમાં RTPCR ટેસ્ટ માટે મોટું વેઈંટિગ છે. .


રાજ્યની એક એક ખાનગી લેબમાં નવેમ્બરની તુલનામાં 3થી 4 ગણા વધુ સેમ્પલ આવી રહ્યા છે. અમદાવાદમાં RTPCR ટેસ્ટ માટે 20થી પણ ઓછી ખાનગી લેબોરેટરી છે. ખાનગી લેબમાં RTPCR ટેસ્ટ કરાવવાનો ચાર્જ 800 રૂપિયા છે. તો ઘરેથી સેમ્પલ આપી RTPCR ટેસ્ટ ખાનગી લેબમાં કરાવવાનો ચાર્જ એક હજાર 100 રૂપિયા નક્કી કરાયો છે.  


ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર


 


ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ફરી વળી છે અને તેના કારણે સંક્રમણ બેકાબૂ બન્યું છે. કોરોના વાયરસથી (Gujarat Corona Cases) દિવસેને દિવસે ભયાવહ સ્થિતિ સર્જાઇ રહી છે અને કેસનો ગ્રાફ સતત ઊંચે જઇ રહ્યો છે. શનિવારે રાજ્યમાં અત્યાર સુધીના સર્વોચ્ચ ૨,૮૧૫ નવા કેસ નોંધાયા હતા. જ્યારે સુરતમાંથી ૫, અમદાવાદમાંથી ૪, ભાવનગર-રાજકોટ-તાપી-વડોદરામાંથી ૧-૧ એમ કુલ ૧૩ના મૃત્યુ થયા હતા. હાલની સ્થિતિએ રાજ્યમાં પ્રતિ કલાકે સરેરાશ ૧૧૭ વ્યક્તિ કોરોના સંક્રમણમાં સપડાઇ રહી છે. એટલે કે દર મિનિટે બે લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. હાલ ૧૪,૨૯૮ એક્ટિવ કેસ છે જ્યારે અત્યાર સુધીમાં સર્વોચ્ચ ૧૬૧ દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે ૩,૧૫,૫૬૩ જ્યારે કુલ મરણાંક ૪,૫૫૨ છે. આ પૈકી એપ્રિલના ૩ દિવસમાં જ  ૭,૮૬૫ કેસ નોંધાઇ ચૂક્યા છે જ્યારે ૩૩ના મૃત્યુ થયા છે.