અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો (Gujarat Corona Cases) વધી રહ્યા છે તેથી હવે માસ્ક પહેરવા અંગેના નિયમો વધારે કડક બનાવાયા છે. રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ (Ashish Bhatia) રાજ્યના તમામ જિલ્લા પોલીસ વડા તથા પોલિસ અધિકારીઓને રવિવારથી ગુજરાતમાં માસ્ક નહીં પહેરનારાં લોકો સામે દંડની કાર્યવાહી કડક રીતે કરવા માટે આદેશ કર્યો છે. તેમણે સૂચના આપી છે કે, માસ્ક પહેર્યો હોય પણ આ માસ્ક (Mask) નાકની નીચે હોય તથા મોં-નાક ના ઢંકાતાં હોય તો પણ 1000 રૂપિયાનો દંડ ફટકારો કે જેથી લોકોમાં જાગૃતિ આવે.


પોલીસ વડાએ પત્રમાં લખ્યું છે કે,  શહેરો, નગરો અને મોટા રસ્તાઓ પર ઝુંબેશ ચલાવીને માસ્ક નહીં પહેરનારાં કે મોં-નાક ખુલ્લું રહે તે રીતે માસ્ક પહેરનારાં લોકો સામે કડક હાથે કામ લઇ 1 હજાર રૂપિયા દંડની વસૂલાત કરવી. આ નિયમનો ભંગ કરનાર  કોઇ પણ વ્યક્તિ સામે નરમાશથી નહીં વર્તીને તેમની સામે આકરું વલણ અપનાવવા કહેવાયું છે. પોલીસ વડાએ કહ્યું કે, કોરોનાના કેસોને રોકવા અને તેનો ચેપ અટકાવવા સૌ નાગરિકોની આરોગ્ય રક્ષા માટે માસ્ક અનિવાર્ય છે. આ કારણે  લોકો ફરજિયાત માસ્ક પહેરે તે માટે તાત્કાલિક ઝુંબેશ હાથ ધરવી.


અમદાવાદ શહેરમાં માસ્ક વિના ફરતા રોજના 600થી 700 લોકો દંડાય છે. છેલ્લા 12 દિવસમાં પોલીસે માસ્ક નહીં પહેરનારા કુલ 7848 લોકો સામે કેસ કરી કુલ 78.48 લાખનો દંડ વસૂલ કર્યો હતો.  23 માર્ચ 2020થી 23 માર્ચ 2021 સુધીના 1 વર્ષમાં પોલીસે માસ્ક વગર ફરતા 4 લાખ લોકોને પકડીને કુલ 34 કરોડનો દંડ વસૂલ્યો હતો.


પોલીસ વડાએ  તમામ શહેરોના પોલીસ કમિશનરો અને જિલ્લાના પોલીસ વડાઓને પત્ર લખીને લોકો ફરજિયાત માસ્ક પહેરે તે જોવા માટે કડક નિયમોનું પાલન કરાવવા માટે સખત શબ્દોમાં આદેશ આપ્યો છે અને કોઈ પણ પ્રકારની ચૂક વિના રવિવારથી ગુજરાતમાં માસ્ક નહીં પહેરનારાં લોકો સામે દંડની કવાયત તેજ કરવા કહ્યું છે. 


ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર


ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ફરી વળી છે અને તેના કારણે સંક્રમણ બેકાબૂ બન્યું છે. કોરોના વાયરસથી (Gujarat Corona Cases) દિવસેને દિવસે ભયાવહ સ્થિતિ સર્જાઇ રહી છે અને કેસનો ગ્રાફ સતત ઊંચે જઇ રહ્યો છે. શનિવારે રાજ્યમાં અત્યાર સુધીના સર્વોચ્ચ ૨,૮૧૫ નવા કેસ નોંધાયા હતા. જ્યારે સુરતમાંથી ૫, અમદાવાદમાંથી ૪, ભાવનગર-રાજકોટ-તાપી-વડોદરામાંથી ૧-૧ એમ કુલ ૧૩ના મૃત્યુ થયા હતા. હાલની સ્થિતિએ રાજ્યમાં પ્રતિ કલાકે સરેરાશ ૧૧૭ વ્યક્તિ કોરોના સંક્રમણમાં સપડાઇ રહી છે. એટલે કે દર મિનિટે બે લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. હાલ ૧૪,૨૯૮ એક્ટિવ કેસ છે જ્યારે અત્યાર સુધીમાં સર્વોચ્ચ ૧૬૧ દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે ૩,૧૫,૫૬૩ જ્યારે કુલ મરણાંક ૪,૫૫૨ છે. આ પૈકી એપ્રિલના ૩ દિવસમાં જ  ૭,૮૬૫ કેસ નોંધાઇ ચૂક્યા છે જ્યારે ૩૩ના મૃત્યુ થયા છે.


Gujarat Coronavirus Cases:  Alert, રાજ્યમાં દર મિનિટે બે લોકો થઈ રહી છે કોરોનાથી સંક્રમિત, જાણો વિગત


Lockdown Updates: કોરોના બેકાબૂ, અનેક શહેરોમાં લોકડાઉન; શું દેશભરમાં ફરી લાદવામાં આવશે લોકડાઉન ?