અમદાવાદઃ ગુજરાતમાં વધતા કોરોના સંક્રમણના કેસોના કારણે શહેરોની હાલત બગડી રહી છે અને રાજ્યનાં ચાર મોટાં શહેરોમાં સૌથી ખરાબ હાલત છે ત્યારે અમદાવાદ શહેરના નાગરિકો માટે માઠા સમાચાર છે. અમદાવાદ શહેરોમાં કોઈ વ્યક્તિને હવે કોરોના થયો તો સારવાર માટે દસ હજારની આસપાસ રકમ ખર્ચવી પડશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને અમદાવાદ હોસ્પિટલ્સ અને નર્સિંગ હોમ્સ એસોસિએશન (AHNA)એ કરેલા કરાર અનુસાર એક દર્દી દીઠ સાતથી આઠ હજારના પેકેજ નક્કી કરવામાં આવ્યા છે. સાતથી આઠ હજારના પેકેજ બાદ અન્ય દવાઓ અને ફિઝિશિયન તબીબોને ઓન કોલ બોલાવવા માટે પણ ચાર્જ ચૂકવવા પડશે. આ કરાર હેઠળ હોસ્પિટલના તબીબો હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓની મુલાકાત લેશે અને તેના માટે ચાર્જ વસૂલશે.
અત્યાર સુધી સરકારી હોસ્પિટલોએ કરેલી સારવાર વિનામૂલ્યે થતી હતી પણ હવે લોકોએ સારવાર માટે નાણાં ખર્ચવાં પડશે. આ કરાર પ્રમાણે એક ઘરમાં ત્રણ સભ્યોને કોરોના થયો તો ખર્ચો 30 થી 40 હજાર આસપાસ પહોચી જશે.
3 દિવસમાં 1300થી વધુ કેસ
અમદાવાદમાં સતત ત્રીજા દિવસે 400થી વધુ કેસ નોંધાયા હતા. 22 માર્ચ, સોમવારના રોજ અમદાવાદ કોર્પોરેશનમાં 481, 21 માર્ચ રવિવારે 443 કેસ અને 20 માર્ચ શનિવારે 401 કેસ નોંધાયા હતા. છેલ્લા ત્રણ જ દિવસમાં અમદાવાદ કોર્પોરેશનમાં 1325 કેસ નોંધાયા હતા.
અત્યાર સુધીમાં શહેરમાં કેટલા નોંધાયા છે કેસ
સોમવારે અમદાવાદ શહેરમાં કોરોનાના નવા 481 કેસ નોંધાતા ગત માર્ચથી અત્યાર સુધીમાં કોરોનાના કુલ 63214 કેસ નોંધાયા છે.સોમવારે વધુ 351 દર્દીઓને કોરોના મુકત જાહેર કરવામાં આવતા અત્યાર સુધીમાં કુલ 59662 દર્દીઓ કોરોના મુકત થયા છે. શહેરમાં સોમવારે બે દર્દીના મોત થતાં અત્યાર સુધીમાં કુલ 2280 લોકોના મરણ થયા છે.
ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ
સોમવારે રાજ્યમાં કોરોના આવ્યા પછીના સૌથી વધુ રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા હતા. સોમવારે રાજ્યમાં 1640 નવા કેસ નોંધાયા હતા. આ પહેલા 27 નવેમ્બરના રોજ 1607 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 4 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા હતા. રાજ્યમાં સોમવારે 1110 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં અત્યાર સુધી 2,76,348, લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.74 ટકા પર પહોંચ્યો છે. હાલ 7847 એક્ટિવ કેસ છે, જેમાંથી 73 લોકો વેન્ટિલેટર પર અને 7774 લોકો સ્ટેબલ છે.