અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહે ઝટકો આપ્યો હતો. સેશન્સ કોર્ટે સમન્સને રદ કરવાની માંગ સાથે થયેલી અરજી ફગાવી દીધી હતી. કેજરીવાલ અને સંજય સિંહની રિવિઝન અરજી અમદાવાદ સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી. સમન્સને રદ કરવાની માંગ સાથે રિવિઝન અરજી કરાઈ હતી.


અમદાવાદની સેશન્સ કોર્ટમાં ચુકાદો આપતી વખતે એડિશનલ સેશન્સ જજ જે.એમ.બ્રહ્મભટ્ટે માનહાનિનાના કેસમાં સમન્સમાંથી રાહત આપવાનો ઇનકાર કરતા રિવિઝન અરજી ફગાવી દીધી હતી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને AAP સાંસદ સંજય સિંહે અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટ દ્વારા મોકલવામાં આવેલા સમન્સને સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો. જેમાં કેજરીવાલ વતી દલીલ કરવામાં આવી હતી કે ગુજરાત યુનિવર્સિટી રાજ્ય સરકાર હેઠળ છે. આવી સ્થિતિમાં સ્ટેટ હોવાના કારણે તે માનહાનિનો કેસ કરી શકે નહીં. કેજરીવાલની આ દલીલ પર ગુજરાત યુનિવર્સિટીએ કહ્યું કે સરકાર તેના તમામ નિર્ણયો લેતી નથી. આવી સ્થિતિમાં તેને સ્ટેટમાં રાખી શકાય નહીં. ગત સુનાવણી પર સેશન્સ કોર્ટમાં દલીલો પૂર્ણ થઈ હતી. આવી સ્થિતિમાં આજે સેશન્સ કોર્ટે સમન્સને પડકારતી કેજરીવાલની રિવિઝન અરજીને ફગાવીને આંચકો આપ્યો છે. અમદાવાદની જે કોર્ટમાં માનહાનિનો કેસ ચાલી રહ્યો છે. તેમાં આગામી સુનાવણી 23 સપ્ટેમ્બરે થવાની છે. સેશન કોર્ટના નિર્ણય બાદ કેજરીવાલના વકીલ ઓમ કોટવાલે કહ્યું હતું કે તેઓ આદેશની નકલ જોયા બાદ આગળના કાયદાકીય વિકલ્પો અંગે નિર્ણય લેશે.


પીએમ મોદીની ડિગ્રી સાથે જોડાયેલો આ આખો મામલો સાત વર્ષ જૂનો છે. એપ્રિલ 2016માં સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશને કેજરીવાલ પાસેથી તેમના ચૂંટણી ફોટો ઓળખ કાર્ડ અંગે માહિતી માંગી હતી. જવાબમાં કેજરીવાલે કહ્યું હતું કે તેઓ CICને માહિતી આપવા તૈયાર છે પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક ડિગ્રી જાહેર કરવા માટે કહેવામાં આવે. સીઆઈસીએ કેજરીવાલના જવાબને આરટીઆઈ અરજી તરીકે ગણતો આદેશ પસાર કર્યો હતો. જેમાં ગુજરાત યુનિવર્સિટીને પીએમ મોદીની ડિગ્રીની વિગતો આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ આદેશ સામે ગુજરાત યુનિવર્સિટીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે 31 માર્ચ, 2023ના રોજ પોતાનો ચુકાદો આપતાં CICને આપેલા આદેશને રદ કર્યો અને કેજરીવાલ પર 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો. હાઈકોર્ટના નિર્ણય બાદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ગુજરાત યુનિવર્સિટીનો આરોપ છે કે કેજરીવાલે આમાં યુનિવર્સિટીને બદનામ કરી છે. આ પછી યુનિવર્સિટીના રજિસ્ટ્રાર વતી કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં કેજરીવાલ તેમજ સંજય સિંહ પર માનહાનિનો આરોપ છે.