અમદાવાદ: ‘ચાર ચાર બંગડી વાળી ગાડી’ ફેમ ગુજરાતી સિંગર કિંજલ દવેની તસવીરો મોર્ફ કરીને તેને સોશિયલ મીડિયા વાયરલ કરનાર યુવકને અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટે છોડી મુક્યો છે. આ કેસમાં બંને પક્ષ વચ્ચે સમાધાન થતાં કોર્ટે ત્રણ જૂનના રોજ પોતાનો નિર્ણય સંભળાવતાં આરોપીને છોડી મુક્યો હતો.

2017ના વર્ષમાં ઓગસ્ટ મહિનામાં સિંગર કિંજલ દવેએ લગ્ન કર્યા હોવાની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. જોકે આ તસવીરો નીરજ મકવાણા નામના યુવકે મોર્ફ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી. આ મામલે કિંજલ દવેએ ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ કરી હતી. ફરિયાદ બાદ ક્રાઈમ બ્રાંચે આરોપીની ધરપકડ કરી હતી.

અમરાઈવાડીના નીરજ મકવાણાએ તસવીરો વાયરલ કરીને દાવો કર્યો હતો કે, તેણે સિંગર કિંજલ દવે સાથે લગ્ન કરી લીધા હતાં. આ તસવીરોએ જે તે સમયે લોકોમાં ચર્ચાનો મુદ્દો બની ગઈ હતી. આ મામલે કોર્ટમાં કેસ ચાલતાં આરોપીએ કોર્ટમાં માફી માંગી હતી અને સિંગર સાથે સમાધાન કર્યું હતું.

આરોપીએ કોર્ટમાં જણાવ્યું હતું મારી પત્ની સાથે ઝઘડો થયો હતો ત્યાર બાદ તેણે ગુસ્સામાં આવીને કિંજલ દવેની તસવીરો મોર્ફ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી. આવું કરવા પાછળનો તેનો બીજો કોઈ ઈરાદો ન હતો. કોર્ટે બંને પક્ષોની દલીલો તેમજ સમાધાનની ફોર્મ્યુલાને માન્ય રાખીને કેસનો નિકાલ કર્યો હતો અને આરોપીને છોડી મુક્યો હતો.