અમદાવાદ: નરોડાના ધારાસભ્ય બલરામ થવાણીએ મહિલાને માર મારવાની ઘટનામાં નાટકીય વળાંક આવ્યો છે. સવારે મીડિયા સમક્ષ માફી માગ્યા બાદ બપોરે બલરામ થવાણી પીડિતા નીતુ તેજવાણીના ઘરે પહોંચી ગયો હતો અને તેના હાથે રાખડી બંધાવી લીધી હતી. એટલું જ નહીં બલમાર થવાણીએ મહિલાનું મોઢું મીઠું કરાવી તેને આશીર્વાદ પણ આપ્યા હતા.

તેમણે આ મામલામાં પોતાની ભૂલ સ્વીકારતા કહ્યું હતું કે, મારાથી અજાણતા જોશમાં ભૂલ થઈ ગઈ છે. હું બહેનની માફી માંગુ છું. તેમણે કહ્યું હતું કે, મારી પાર્ટી અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી સાથે વાત થઈ છે. તેમને પણ મને ઠપકો આપ્યો છે.

બલરામ થવાણીએ મહિલાને માર્યાં અંગે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, મારાથી પગ અડી ગયો છે. બેનને મારાથી લાત વાગી ગઈ છે તે માટે હું બેનની માફી માંગુ છું. પરંતુ મને તે વખતે ખબર ન પડી કે તે મહિલા છે કે પુરૂષ. પહેલા ઓફિસમાં આ લોકોએ મારી પર હાથ ઉપાડ્યો હતો અને મારો પાછળથી કોલર પકડ્યો હતો. ત્યાર બાદ હું બહાર આવી ગયો.

મહત્વનું છે કે, નરાડોમાં પાણીની વિકટ સમસ્યાને પગલે રવિવારે મહિલાઓ સ્થાનિક ધારાસભ્યની ઓફિસની બહાર વિરોધ નોંધાવી રહ્યાં હતાં. આ દરમિયાન મહિલાઓ સાથેની વાતચીતમાં વાત વણસતા ધારાસભ્ય બલરામ થવાણી અને તેમના સાથીદારોએ મળી મહિલાને ઢોર માર માર્યો હતો.