Ahmedabad Crime: રાજ્યમાં નશીલા પદાર્થોનું વેચાણ અને વપરાશ સતત વધી રહ્યો છે. આમાં પણ ગાંજોનો વેપાર મોટા પાયે થઇ રહ્યો છે. ગુજરાતમાં આ સિલસિયો યથાવત છે હાલમાં જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બે મહિલા પેડલરોને ઝડપી પાડી છે. આ બે મહિલાઓ મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં ગાંજો ઘૂસાડીને વેપાર કરતી હોવાની માહિતી સામે આવી છે. બન્ને પાસેથી દોઢ લાખથી વધુની કિંમતના 15 કિલોથી વધુ ગાંજાનો જથ્થો જપ્ત કરાયો છે. 


અમદાવાદમાં ગાંજા અને ડ્રગ્સનું દુષણ સતત વધી રહ્યું છે. યુવાનો આ દુષણના રવાડે ચઢી રહ્યાં છે. હાલમાં જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મોટી કાર્યવાહી અમદાવાદમાંથી ડ્રગ્સ પેડલરોને પકડી પાડ્યા છે. મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગાંજા સાથે બે મહિલાની ધરપકડ કરી છે. નીતા સોલંકી અને ઉર્મિલા પરમાર નામની બે મહિલાઓને ક્રાઇમ બ્રાન્ચે રંગેહાથે ઝડપી પાડી છે. ખરેખરમાં, આ બન્ને મહિલાઓ મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં ગાંજો પહોંચાડવાનું ષડયંત્ર રચતી હતી. મહારાષ્ટ્રના નંદુરબારમાંથી નીતા સોલંકી મોટા પ્રમાણમાં ગાંજો લાવી હતી, જે 1.56 લાખની કિંમતો હતો અને 15 કિલો 650 ગ્રામ ગાંજાનો જથ્થો હતો. આ ડ્રગ્સ પેડલર મહિલા નીતા સોલંકી બીજી મહિલા ઉર્મિલા પરમારને આ ગાંજો આપવાની હતી. જોકે, બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે દરોડાની કાર્યવાહી કરતાં બન્ને મહિલાઓને ગાંજા સાથેના મુદ્દામાલ સાથે પકડી લીધી હતી. હાલમાં ક્રાઇમ બ્રાન્ચ આગળની કાર્યવાહી કરી રહ્યું છે.


આ પહેલા ગુજરાત અને રાજસ્થાનમાં થઇ હતી દરોડાની કાર્યવાહી, કરોડોનું ડ્રગ્સ પકડાયુ 


ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વૉડ (ATS) અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ ડ્રગ્સની મોટી સાંઠગાંઠનો પર્દાફાશ કર્યો હતો. ATS અને NCBએ સંયુક્ત ઓપરેશનમાં ગુજરાત અને રાજસ્થાનમાં કથિત રીતે 230 કરોડ રૂપિયાના મેફેડ્રૉન ડ્રગ્સ જપ્ત કર્યું છે. ડ્રગ્સના આ કન્સાઈનમેન્ટ સાથે 13 લોકોની પણ ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાત ATSને આ બ્લેક ડ્રગ ગેમ વિશે ગુપ્ત માહિતી મળી હતી, જેના પછી કાર્યવાહી કરવામાં આવી હતી.


હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, અધિકારીઓએ જણાવ્યું હતું કે ગુજરાત ATS અને NCBએ શુક્રવારે દરોડા પાડ્યા હતા. એટીએસને બાતમી મળી હતી કે અમદાવાદના રહેવાસી મનોહરલાલ ઉનાણી અને રાજસ્થાનમાં રહેતા કુલદીપસિંહ રાજપુરોહિત ડ્રગ્સની બ્લેક ગેઇમ રમી રહ્યા છે. ગુજરાત એટીએસને જણાવવામાં આવ્યું હતું કે બંને આરોપીઓએ મેફેડ્રોન ડ્રગ્સના મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ સ્થાપ્યા હતા, જ્યાં મોટા પાયે ડ્રગ્સ તૈયાર કરવામાં આવી રહ્યું હતું.


પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝ મુજબ, "ATSએ 22.028 કિલો મેફેડ્રોન અને 124 કિલો લિક્વિડ મેફેડ્રોન રિકવર કર્યું છે, જેની બજાર કિંમત 230 કરોડ રૂપિયા છે. રાજપુરોહિત ગાંધીનગરમાં દરોડા દરમિયાન ઝડપાયો હતો, જ્યારે અનાની સિરોહીમાંથી ધરપકડ કરવામાં આવી હતી. 


એવું કહેવાય છે કે રાજસ્થાનના સિરોહી અને જોધપુર સ્થિત ઉત્પાદન એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગુજરાતના ગાંધીનગરના પીપળજ ગામ અને અમરેલી જિલ્લાના ભક્તિનગર ઔદ્યોગિક વિસ્તારમાં દરોડા પાડીને ડ્રગ્સ પણ મળી આવ્યું હતું.