Ahmedabad Crime: અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસને એક જુનો કેસો ઉકેલવામાં એક મોટી સફળતા મળી છે, અમદાવાદ શહેર સાયબર સેલે છેલ્લા એક વર્ષથી દુષ્કર્મના આરોપમાં નાસતાં ફરતાં રીઢા ગુનેગારને યુપીથી ઝડપી પાડ્યો છે. આ કેસમાં આરોપી યોગેશ ગુપ્તાએ એક સગીરા પર દુષ્કર્મ આચર્યુ હતુ, તેની વિરૂદ્ધમાં ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ હતી, આ ઘટનામાં હવે સાયબર ક્રાઇમ પોલીસે સ્પેશ્યલ ઓપરેશન કરીને આરોપીને એક વર્ષ બાદ યુપીથી ઝડપી પાડ્યો છે, હાલમાં આરોપીને મહિલા ક્રાઇમ ટીમને સોંપવામાં આવ્યો છે.


ઘટનાની વિગતો એવી છે કે, ગયા વર્ષે ચાંદખેડા વિસ્તારમાં એક સગીરા પર દુષ્કર્મની ઘટના ઘટી હતી, આમાં આરોપી યોગેશ રોશનલાલ ગુપ્તાએ એક સગીરા પર દુષ્કર્મ આચર્યુ હતુ, આ ઘટના બાદ આરોપી યોગેશ ગુપ્તા ઉપર 376 (2) (એન), 365, 366, 34 કલમ અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી હતી. જ્યારે પોલીસે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યો તો આરોપી રાજ્ય બહાર નાસી છૂટ્યો હતો. છેલ્લા એક વર્ષથી દુષ્કર્મનો આરોપી યોગેશ ગુપ્ત પોતાનો હુલીયો બદલીને ગુજરાત બહાર ઉત્તરપ્રદેશ અને અન્ય પ્રાંતોમાં નાસતો ફરતો હતો. 


આ ઘટનામાં અમદાવાદ સાયબર ક્રાઇમ સેલે ખાસ ઓપરેશન ચલાવ્યુ હતુ, જેમાં નાસતાં ફરતાં આરોપી યોગેશ ગુપ્તાને ઉત્તરપ્રદેશથી ઝડપી પાડ્યો હતો. જ્યારે આરોપી પોલીસ પકડમાં આવ્યો ત્યારે તેને આ સમગ્ર દુષ્કર્મની ઘટનાની કબુલાત કરી હતી. હાલમાં આરોપી પર આગળની કાયદેસરની કાર્યવાહી કરીને તેને મહિલા ક્રાઇમ સેલ, અમદાવાદ શહેરની ટીમને સોંપવામાં આવ્યો છે.