અમદાવાદનું ઈસ્કોન મંદિર ફરી વિવાદમાં આવ્યું છે. એસજી હાઇવે પર આવેલા ઇસ્કોન મંદિરના પૂજારીઓ પર કથિત રીતે યુવતીનું બ્રેઇન વોશ કર્યાનો પિતાએ આરોપ લગાવ્યો હતો. પિતા આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. પિતાએ આરોપ લગાવ્યો હતો કે તેમની પુત્રી ઇસ્કોન મંદિરના પૂજારીઓના કબજામાં છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે તેમની દીકરીને ગાંજો અને ડ્રગ્સ આપવામાં આવી રહ્યું છે. આ મામલે યુવતીના પિતાએ હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસ દાખલ કરી હતી. ત્યારબાદ યુવતીને હાજર કરવાનો હાઇકોર્ટે આદેશ આપ્યો હતો. તે સિવાય ગુજરાત હાઇકોર્ટે તમામ પક્ષકારોને નોટિસ ફટકારી હતી. નીલેશ નરસૈંયાદ દેશવાની, સુંદર મામા પ્રભુને કારણદર્શક નોટિસ છે. મુરલી મનોહર પ્રભુ, નારદમુની ઉર્ફે નિર્મોઈ, અંકિતા સીંધી, હરીશંકરદાસ, અક્ષયતિથિ કુમારી, મોહિત પ્રભુજી સામે આરોપ લગાવવામાં આવ્યો છે.
ઇસ્કોન મંદિર ઉપર લગાવેલા ગંભીર આરોપ મામલે મંદિર તરફથી નિવેદન આપવામાં આવ્યું છે. હરેશ ગોવિંદ દાસે કહ્યું હતું કે આરોપો તદ્દન પાયાવિહોણા છે. આ પિતા પુત્રી વચ્ચેનો કૌટુંબિક મામલો છે, મંદિર સાથે કોઈ લેવા દેવા નથી. યુવતી કયા છે તે અંગે મંદિર પાસે કોઈ માહિતી નથી. કોર્ટ અને પોલીસ કાર્યવાહીમાં મંદિર પ્રશાસન તરફથી પૂરો સહકાર મળશે. મંદિર પાસે માહિતી પ્રમાણે યુવતી એ લગ્ન કરી લીધા છે. મંદિરમાં મોટી સંખ્યામાં દરરોજ ભક્તો આવતા હોય છે.
અરજદારે તેમની પુત્રીને જીવનું જોખમ હોવાની અને તેને નિયમિત રીતે ગાંજો અને ડ્રગ્સ અપાતુ હોવાનો અરજીમાં ગંભીર આરોપ લગાવ્યો છે. હાઈકોર્ટે કેસની ગંભીરતાને ધ્યાને લઈને લાપતા યુવતીને હાઈકોર્ટ સમક્ષ હાજર કરવાનો હુકમ કર્યો હતો. એટલુ જ નહીં, હાઈકોર્ટે રાજ્ય સરકાર, અમદાવાદ શહેર પોલીસ કમિશનર, મેઘાણીનગર પોલીસ મથકના પીઆઈ અને ઈસ્કોન મંદિર સાથે નીલેશ નરસૈંયાદ દેશવાની, સુંદર મામા પ્રભુ, મુરલી મનોહર પ્રભુ, નારદમુની ઉર્ફે નિર્મોઈ મુરલી મનોહર પ્રભુ, અંકિતા સિંધી, હરિશંકરદાસ મહારાજ, અક્ષયતિથી કુમારી, મોહિત પ્રભુજી મહારાજ વિરૂદ્ધ કારણદર્શક નોટિસ જાહેર કરી છે.
અરજદાર પિતાએ અરજીમાં અનેક ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે મંદિરના પૂજારી સુંદર મામાએ એક શિષ્ય સાથે તેમની દીકરીના લગ્ન કરી દેવા હુકમ કર્યો હતો. પરંતુ તેમણે આ આદેશ માન્યો ન હતો. જે બાદ તેમને ધમકીઓ મળવા લાગી હતી. મથુરાનો એક શિષ્ય તેમની પુત્રીને ભગાડી લઇ ગયો હતો. અહીં યુવતીઓનું બ્રેઈન વોશ કરવામાં આવે છે. માતાપિતા કરતાં પણ ગુરુઓનું સ્થાન ઊંચું હોય તેવું પણ મગજમાં બેસાડવામાં આવે છે. અરજદાર પિતાએ એવા પણ આક્ષેપ કર્યા હતા કે, ઇસ્કોન મંદિરમાં યુવતીઓનું બ્રેઇન વોશ કરાય છે અને ધર્મના નામે આડંબર ચાલી રહ્યો છે. સુંદર મામા સહિતના પૂજારીઓ મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓનું એટલી હદે બ્રેઇન વોશ કરે છે કે, માતા-પિતા કરતાં પણ ગુરુ મહત્વના છે અને મંદિરમાં રહેતી 600 યુવતીઓ ગોપી છે અને તેઓ કૃષ્ણ સ્વરૂપે છે તેવું માનવા મજબૂર કરે છે.
પિતાએ હાઈકોર્ટમાં કરેલી અરજીમાં હાઇકોર્ટના જસ્ટિસ સંગીતા વિશેણ અને જસ્ટિસ સંજીવ ઠાકરની ખંડપીઠે કેસની ગંભીરતા ધ્યાને લઈ લાપતા યુવતીને કોર્ટ સમક્ષ હાજર કરવા હુકમ કર્યો છે. આ સાથે કેસની વધુ સુનાવણી માટેની તારીખ 9મી જાન્યુઆરી આપી છે.