મળતી વિગત પ્રમાણે વટવા-વિંઝોલ રેલવે ફાટક પાસે આવેલ માતંગી એન્ટરપ્રાઈઝ અને જક્ષય નામની કેમિકલ કંપનીમાં ભીષણ આગ ફાટી નિકળી હતી. જેમાં આસપાસની 4 મળી કુલ 6 જેટલી કંપનીમાં આગ ફેલાઈ હતી. ફાયરબ્રિગેડે બ્રિગેડ કોલ જાહેર કરી 40 ફાયર ટેન્કર અને 100 જેટલા જવાનોએ આગને કાબુમાં લેવાના પ્રયત્ન કર્યા હતાં અને ત્રણેક કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો.
ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટના જણાવ્યા મુજબ, રાત્રે એક વાગ્યા આસપાસ લાગેલી આગ પર હાલ કાબુ મેળવી લેવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કોઈ જાનહાનીના સમાચાર નથી.
કંપનીઓમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે દૂરથી આકાશમાં આગની જ્વાળાઓ દેખાઇ રહી હતી. આગને કારણે કેમિકલના જથ્થામાં થયેલા ધડાકા ઇસનપુર સુધી સંભળાયા હતાં. ધડાકાઓ સાથે આગ લાગતા વિંઝોલ અને વટવાના નાગરિકો ઉંઘમાંથી સફાળા જાગી ગયા હતાં. આગને કારણે લોકોના ટોળા ઉમટ્યા હતાં. ઘટનાની જાણ થતાં વટવા પોલીસનો કાફલો દોડી આવ્યો હતો.
થોડા દિવસો પહેલા અમદાવાદના બાપુનગરમાં આવેલા શ્યામ શિખરમાં પણ આગ લાગી હતી. જેમાં 20 જેટલી દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી. આ ઘટનાના હજુ તાજી છે ત્યાં આજે ફરી એક વખત શહેરમાં આગ લાગતાં તંત્રની કાર્યવાહી પર સવાલ ઉભા થઈ રહ્યા છે.