Ahmedabad News: અમદાવાદ રિવરફ્રન્ટ પાસે દર વર્ષે યોજાતા ફ્લાવર શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 1 જાન્યુઆરીથી ફ્લાવર શો શરૂ થશે. આગામી મહિને યોજાનાર ફલાવર શો માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાનારા આંતરરાષ્ટ્રીય કક્ષાનો ફલાવર શોમાં પ્રથમ વખત ખાણીપીણીના સ્ટોલ લગાવવામાં આવશે.


આ સ્કલ્પચર કરાશે તૈયાર


આ ઉપરાંત ફ્લાવર શોમાં સૂર્ય મંદિર, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ચંદ્રયાન, વડનગરના કીર્તિ તોરણ સહિત 33 સ્કલ્પચર તૈયાર કરવામાં આવશે. GSLV MK 3 રોકેટનું પણ સ્કલ્પચર તૈયાર કરાશે. 5.45 કરોડના ખર્ચે ફ્લાવર શો યોજાશે.


વિદેશી ફૂલો લગાવવા કવાયત હાથ ધરવામાં આવી


ફ્લાવર શોમાં બ્રસેલ્સ, સ્વિત્ઝર્લેન્ડ સહિતના દેશના ફૂલ લગાવવા કવાયત હાથ ધરવામાં આવી છે. ફ્લાવર શોમાં 12 વર્ષથી નીચેના બાળકો માટે પ્રવેશ ફ્રી છે. જ્યારે 12 વર્ષથી ઉપરના મુલાકાતીઓ માટે સોમવારથી  શુક્રવાર સુધી 50 રૂપિયા અને શનિવાર તથા રવિવારના દિવસે 75 રૂપિયા ફી ચુકવવી પડશે.


ગત વર્ષે લંબાવાયો હતો ફ્લાવર શો


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ગત વર્ષે ફ્લાવર શોને લોકોનો શાનદાર પ્રતિસાદ મળ્યો હતો. જેને લઈ વધુ ત્રણ દિવસ લંબાવવાની જાહેરાત કરવામાં આવી હતી. 12 જાન્યુઆરીના પૂર્ણ થનાર ફ્લાવર શો 15 જાન્યુઆરીના પૂર્ણ થયો હતો. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોમાં લાખો લોકો ઉમટી પડ્યા હતા.