અમદાવાદઃ લોકડાઉનમાં નોકરીથી હાથ ધોઈ બેઠેલી રાજકોટની 23 વર્ષીય યુવતી કામની તલાશમાં હતી ત્યારે તેનો સંપર્ક સોશિયલ મીડિયા દ્વારા અમદાવાદના માલદેવ ભરવાડ સાથે થયો હતો. માલદેવ ભરવાડે કોર્પોરેટ જગતમાં સારી નોકરી અપાવવા માટે તેને મિટિંગનું કહીને અમદાવાદની રેડિસન બ્લુ હોટલમાં બોલાવી હતી અને ત્યાં મિટિંગના નામે અન્ય 2 શખ્સો પ્રજ્ઞેશ પટેલ અને જીતેન્દ્ર ગોસ્વામી પણ આવ્યા હતા.

રેડિસન બ્લુ હોટલના રૂમમાં હતા ત્યારે કોલ્ડ્રીંકમાં કેફી પદાર્થ આપીને યુવતીને બેભાન કરીને તેની સાથે વારા ફરતી વારા ત્રણેયે દુષ્કર્મ કર્યું હતું અને તેના અશ્લીલ ફોટો- વીડિયો બનાવીને તેને બ્લેકમેઇલ પણ કરતા હતા. કોર્પોરેટ ઇવેન્ટના નામે તેને અમદાવાદની મોટી મોટી હોટલો જેમકે રેડિસન બ્લુ, નોવાટેલ, કેલીસમાં લઈ જતા હતા અને ત્યાં તેને બ્લેકમેઇલ કરીને અથવા ડરાવી ધમકાવીને અથવા નોકરીની લાલચ આપીને તેનું શોષણ કરતા હતા.

આરોપી પ્રજ્ઞેશના ફ્લેટ ઉપર પણ લઈ જઈને તેની સાથે માલદેવ ભરવાડ, જૈમિન, પ્રજ્ઞેશ પટેલ અને જીતેન્દ્ર ગોસ્વામીએ એક સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. કોર્પોરેટ ઇવેન્ટની લાલચ આપીને તેને ઉદેપુર પણ લઈ ગયા હતા. ત્યાં એમડી ડ્રગ્સ અને દારૂના નશામાં હેવાન બનીને એક પછી એક દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાઇ છે

ઉદેપુર આવતા જતાના રસ્તામાં ગાડીમાં તેની સાથે બંધુકની અણીએ શારીરક ચેડાં કરતા હતા. આર્થિક અકળામણ અને આ તમામના ભય થી ગભરાયેલી યુવતીને થયું કે આ તમામ લોકો માત્ર તેનો ભોગવી રહ્યા છે અને નોકરીના તમામ વાયદાઓ જુઠ્ઠા છે ત્યારે તેણે ફરિયાદ નોંધાવાની હિંમત કરી હતી. આ મામલે 3 નવેમ્બરે મહિલા ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઇ હતી.

ઓગસ્ટ 2020થી ઓકટોબરના લગભગ 2થી અઢી મહિનાના સમયગાળા દરમ્યાન આ સમગ્ર ઘટનાઓ બની હતી. આ મામલે જૈમિન, પ્રજ્ઞેશ પટેલ, માલદેવ ભરવાડ, જીતેન્દ્ર ગોસ્વામી આરોપી છે. સામુહિક દુષ્કર્મ કેસમાં આરોપી જૈમિન પટેલને અમરેલી જિલ્લાના મોટા ભંડારિયા ગામેથી ઝડપી લીધો હતો. આ આરોપી ઉપર અગાઉ નારણપુરા અને સરખેજમાં બે ગુના નોંધાયેલા છે. આ કેસમાં પોલીસે પાંચમાંથી ગેંગરેપ કરનાર 4 આરોપીને ઝડપી લીધા છે. આરોપી નંબર 5 પ્રગ્નેશ પટેલની પત્ની હોવાનું ખુલ્યું છે.

આ મામલે ક્રાઈમ બ્રાન્ચે 3 આરોપીને ઝડપી લીધા બાદ ફરાર આરોપી જૈમિન કનુભાઈ પટેલ (રહે, ગાલા આર્યા, સોબો સેન્ટર પાછળ, સાઉથ બોપલ) ને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. જોકે આરોપી પોલીસ પકડથી બચવા જગ્યા બદલતો રહેતો હતો. પોલીસે જૈમીનને પકડવા માટે સુરત, આણંદ, અમરેલી જિલ્લામાં તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન જૈમીન અમરેલીના મોટા ભંડારિયા ગામેથી ઝડપાયો હતો. આ ગુનામાં આરોપી પ્રગ્નેશ પટેલની પત્ની નીલમ પટેલનું નામ પણ આરોપી તરીકે છે.