અમદાવાદઃ નવો મોટર વ્હીકલ એક્ટ અમલમાં આવ્યા બાદ પણ રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. બુધવારે રાત્રે અમદાવાદના નારોલ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં બે જોડિયા ભાઈઓના મોત થયા હતા. બુધવારે મોડિ રાત્રે નારોલમાં એક બાઇક ચાલકે બે બાળકોને અડફેટે લીધા હતા. જેના પગલે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બંને બાળકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાવમાં આવ્યા હતા. સારવાર દરમિયાન બંને  જુડવા ભાઇઓનું મોત થયું હતું. જેના પગલે પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો.



મળતી માહિતી પ્રમાણે અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલા ખોડિયાર મંદિર પાસે લવ અને કુશ નામના જોડિયા બાળકો ઊભા હતા. આ સમયે ફૂલ સ્પીડમાં આવતા બાઇક ચાલકે આ બંને ભાઇઓને અડફેટે લીધા હતા. જેના પગલે તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બાઇકોને અડફેટે લીધા બાદ બાઇક ચાલક ઘટના સ્થળથી ફરાર થયો હતો. જ્યારે ઘટનાની જાણ થતાં સ્થાનિકના ટોળા એકઠાં થયા હતા.


108 એમ્બ્યુલન્સની મદદથી બંને ભાઇઓને સારવાર માટે એલ.જી.હોસ્પિટલમાં  ખસેડવામાં આવ્યા હતા. જોકે, બંને બાળકોના સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મળતી માહિતી પ્રમાણે લવ અને કુશ પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતા હતા. એક સાથે બંને ભાઇઓના મોતથી પરિવારમાં માતમ છવાયો હતો.