અમદાવાદઃ શહેરમાં વેપારી સાથે મિત્રતા કરી તેને હની ટ્રેપમાં ફસાવી એક લાખ રૂપિયા રોકડા અને અઢી તોલાની સોનાની ચેઇન લૂંટી લીધી હોવાની ઘટના સામે આવી છે. ત્યારે પોલીસે વેપારીને ફસાવનારી શિવી અને અન્ય પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. મૂળ શેરથા ગામની રહેવાસી શિવાની ભરતભાઈ સાધુ નામની યુવતીએ વેપારીને હની ટ્રેપમાં ફસાવ્યો હતો.


સોલા પોલીસ સ્ટેશનના પીઆઇ જે. પી. જાડેજાએ યુવતી અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, શિવી મેહુલ દેસાઈ ઉર્ફે ટાઇગરની ગર્લફ્રેન્ડ છે. વેપારીને શિવીએ ૧૨ જૂને હેલો હેલી લખીને મેસેજ કર્યો હતો અને ફ્રેન્ડશીપ કરવાની વાત કરી હતી. હેલી નામનું કોઈ નથી તેવું કહીને વેપારીએ ના પાડતા યુવતીએ દબાણ કર્યું હતું. છેવટે મિત્રતા થઈ જતા 16 જૂને બંને જણા ઝાયડસ પાસે મળવા ભેગા થયા હતા. ઝાયડ્સ ચાર રસ્તા પર યુવતીના અન્ય સાગરીતો પણ પહોંચ્યા હતા. આ પછી યુવતી ફરાર થઈ હતી, જ્યારે તેના સાગરિતોએ યુવકને અડાલજ પાસે અવાવરી જગ્યાએ લઈ જઈને તેને માર માર્યો હતો અને 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી.

છેવટે 5 લાખ નક્કી કર્યા હતા. વેપારીએ 1 લાખ રૂપિયા એટીએમમાંથી ઉપાડ્યા હતા અને અઢી તોલાનો ચેન આ પાંચેયને આપી દીધો હતો. આ 5 ઈસમ અને હનીટ્રેપ કરનાર યુવતી શિવીએ ફરીવાર વેપારીને બ્લેકમેઇલ કરતા તેણે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ મામલે સોલા પોલીસે મેહુલ દેસાઈ ઉર્ફે ટાઇગર, આકાશ દેસાઈ ઉર્ફે વિહાભાઈ, વરુણ દેસાઈ ઉર્ફે બબો, જયેશ દેસાઈ, શુભમ દેસાઈ નામના 5 ઈસમો ની ધરપકડ કરી છે. શિવીની પણ હાલ પોલીસે ધરપકડ કરી લીધી છે.