અમદાવાદ: અમદાવાદ મેડિકલ એસોસિએશન (એએમએ) અને વિમેન ડોક્ટર્સ વિંગ દ્વારા અમદાવાદ મેડિકલ એસોસીએશનની ઓફિસ ખાતે તા. ૨૫ નવેમ્બર થી ૨૯ નવેમ્બર ૨૦૧૯ દરમિયાન, અમદાવાદ શહેર પોલીસનાં મહિલા કર્મચારીઓનાં સ્વાસ્થ્યનાં નિદાનનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા ૧,૬૦૦ મહિલા પોલીસ કર્મચારીઓનાં સ્વાસ્થ્યની વિવિધ ચકાસણી કરવામાં આવી હતી


મહિલા પોલીસ સ્વાસ્થ્ય ઝુંબેશમાં બ્રેસ્ટ સર્જન ડો. શેફાલી દેસાઈએ બ્રેસ્ટ કેન્સરની જાગૃતિ અંગેની જાણકારી આપી હતી. એએમએના પ્રેસિડેન્ટ ડો. મોના દેસાઈએ પોતાના વક્તવ્યમાં ઓર્ગન ડોનેશન અંગેની વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. આ ઝુંબેશમાં તમામ મહિલા પોલીસ કર્મચારીઓનાં સંપૂર્ણ બ્લડ કાઉન્ટની ચકાસણી કરવામાં આવી હતી અને તમામ મહિલા પોલીસને એક માસ સુધીની ફ્રી આયર્ન ટેબલેટ્સ આપવામાં આવી હતી.

અમદાવાદ શહેર મહિલા પોલીસનાં કર્મચારીઓનાં સ્વાસ્થ્યનાં ઝુંબેશનાં અહેવાલમાં રસપ્રદ તારણો બહાર આવ્યા છે. પાંચ દિવસનાં કેમ્પમાં કુલ ૫૮૦ મહિલા પોલીસ કર્મચારીઓએ ઓર્ગન ડોનેશન પ્રતિજ્ઞા ફોર્મ ભર્યા હતાં. સ્વાસ્થ્ય ઝુંબેશ અહેવાલ અનુસાર તીવ્ર એનેમીયાની અસર ધરાવતા એકપણ મહિલા પોલીસ કર્મચારી નથી. મોડેરેટ એનેમીયા ધરાવતા મહિલા પોલીસની ટકાવારી ૧૫.૫ ટકા અને માઈલ્ડ એનેમીયાની અસર ૨૧.૫૫ ટકા મહિલા કર્મચારીઓમાં જોવા મળી હતી. સામાન્ય-સારું સ્વાસ્થ્ય ધરાવતા કર્મચારીઓની ટકાવારી ૫૬.૭૫ ટકાની હતી.