Ahmedabad Municipal Corporation: અમદાવાદ મહાનગરપાલિકાનો નવતર પ્રયોગ સામે આવ્યો છે. કોકાકોલા કંપની સાથે મળીને AMCએ પ્લાસ્ટિકના બાંકડા તૈયાર કર્યા છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ નિહાળવા આવેલ લોકોએ ફેંકેલા પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને આ બાંકડા બનાવવામાં આવ્યા છે. 500 કિલો જેટલા પ્લાસ્ટિકના કપ અને પ્લાસ્ટિકની બોટલ પ્રેક્ષકોએ ઉપયોગ કરી ફેંકી હતી.


આગામી દિવસોમાં અમદાવાદ શહેરના બગીચાઓમાં અને જાહેર સ્થળોએ જોવા મળી શકે છે આ પ્લાસ્ટિકના બાંકડા. ચાર બોટલ એકત્ર કરી તેમાંથી જેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. રાત્રી દરમિયાન કામ કરતા કર્મચારીઓ વાહનચાલકોને દેખાય તે માટે જેકેટ અપાશે. હાલ શહેરમાં RCC અને એલ્યુમિનિયમના બાંકડા લગાવવામાં આવ્યા છે.




ગત મહિને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાયેલ વર્લ્ડકપની મેચ દરમિયાન આવેલા પ્રેક્ષકોએ ફેંકેલ પ્લાસ્ટીકની બોટલ અને પ્લાસ્ટિકના ગ્લાસમાંથી અમદાવાદ મનપાએ બાંકડા બનાવ્યા છે. 50 કિલો પ્લાસ્ટિકમાંથી એક એવા દસ બાંકડા કોકાકોલા નામની કંપની દ્વારા AMC ને આપવામાં આવ્યા છે. જેનો ઉપયોગ શહેરના બગીચા અને જાહેર સ્થળોએ થઈ શકે તેમ છે.




માત્ર બાંકડા જ નહીં પણ ચાર પ્લાસ્ટિકની બોટલમાંથી એક જેકેટ પણ તૈયાર કરવામાં આવ્યું છે. જે રાત્રી દરમિયાન કામ કરતા શ્રમિકોને અપાશે. જેની મદદથી વાહનચાલકો સરળતાથી આ શ્રમિકોને જોઈ શકે છે. અમદાવાદ મનપાનું આયોજન છે કે પીરાણા ખાતે પ્લાસ્ટિકના અલગીકરણ કર્યા બાદ નીકળતા પ્લાસ્ટિકમાંથી વધુ બાંકડા તૈયાર કરવા જેના માટે મ્યુનિસિપલ કમિશનરની મંજૂરી મેળવવાની કવાયત હાથ ધરાઈ છે.