Ahmedabad News: અમદાવાદ શહેરમાં ચોમાસામાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં વધારો થયો છે. જુલાઈ મહિનામાં જ ટાઈફોઈડના 415 કેસ, કમળાના166 કેસ, કોલેરા 6 કેસ નોંધાયા હતા. જ્યારે 174 ડેંગ્યુ સાદા, મલેરિયાના 81 , ચિકનગુનિયા 9 કેસ નોંધાયા  હતા. જ્યારે ઝાડા-ઉલ્ટીના જુલાઈ મહિનામાં 1139 કેસ નોંધાયા હતા. મચ્છરનું બ્રિડિંગ મળેલા એકમો પાસેથી 75 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે.


આંખ આવવાના કિસ્સાઓમાં ઘટાડો થવાનું આંકલન


આ દરિયાન અમદાવાદમાં આંખો આવવાના કેસમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા બે દિવસમાં અર્બન હેલ્થ સેન્ટર ઉપર આવતા કેસમાં ઘટાડોથયો છે. એક અર્બન હેલ્થ સેન્ટર ઉપર અંદાજીત 150 થી 200 જેટલા દર્દીઓ તપાસ કરાવી રહ્યા છે. AMC સંચાલિત હોસ્પિટલોમાં 75000 જેટલા ટીપાનો જથ્થો ઉપલબ્ધ છે. આગામી સમયમાં આંખ આવવાના કિસ્સાઓમાં ઘટાડો થવાનું આંકલન છે.


આંખના ફ્લૂના વધતા જતા કેસ વિશે વાત કરતા નિષ્ણાંતે જણાવ્યું છે કે વરસાદની સાથે દેશના મોટાભાગના ભાગોમાં આંખની સમસ્યાથી પીડાતા દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. આંખોમાં વાયરલ અને બેક્ટેરિયલ બંને ચેપ જોવા મળી રહ્યા છે. આંખની સમસ્યાઓથી પીડિત મોટાભાગના લોકોને આંખમાં બળતરાની સમસ્યા થાય છે.  સામાન્ય રીતે હવામાનમાં ભેજ અને ભેજવાળી ગરમીને કારણે નેત્રસ્તર દાહ (આંખના ફ્લૂ)ના દર્દીઓની સંખ્યામાં વધારો થાય છે. જો કે, આ વખતે દર વર્ષની સરખામણીમાં વધુ દર્દીઓ આવી રહ્યા છે, જેના માટે કેટલાક મહત્વપૂર્ણ કારણો હોઈ શકે છે.




આંખના ફલૂના કેસ અચાનક કેમ વધી રહ્યા છે?


ડોકટરોનું કહેવું છે કે તેનું એક મહત્વનું કારણ એ છે કે ચોમાસામાં બેક્ટેરિયા, વાયરસના ચેપનું જોખમ વધારે છે. આ સિઝનમાં ભેજને કારણે જ્યાં વાયરસ ફેલાવાની તક મળે છે, ભેજનe કારણે, ચેપ લાંબા સમય સુધી આપણી વચ્ચે રહે છે.


આંખનો ફ્લૂ કેવી રીતે ફેલાય છે?


આ ઋતુમાં વધુ પડતો પરસેવો થવાના કારણે લોકો પોતાની આંખોને વારંવાર સ્પર્શ કરે છે, જેના કારણે આ ઈન્ફેક્શન ફેલાઈ જાય છે. આ ચેપ કોઈપણ ઉંમરના લોકોને લાગી શકે છે. જો પરિવારમાં કોઈ એક વ્યક્તિ તેનાથી પ્રભાવિત હોય તો અન્ય સભ્યોએ વધુ સાવચેત રહેવાની જરૂર છે.


આંખના ફલૂના લક્ષણો


આ ચેપથી બચવાનો એક ઉપાય એ છે કે તમે તેના લક્ષણો જોતાની સાથે જ સાવધાન થઈ જાવ અને તમારી જાતને અન્ય લોકોથી અલગ કરો અને ડૉક્ટર પાસે જાવ. તમે નીચેના લક્ષણો દ્વારા આંખના ફલૂને ઓળખી શકો છો.



  • લાલ આંખો

  • આંખોમાં દુખાવો

  • આંખોમાં ખંજવાળ આવવી

  • આંખો ચોંટી જવી

  • આંખો પર સોજા આવવા

  • લાઇટ સેન્સિવિટી


ઉપાયો



  • જો તમને આંખની બીમારી થઈ છે, તો અન્ય લોકોથી અંતર રાખો.

  • આંખના ફ્લૂના કિસ્સામાં કાળા ચશ્મા પહેરવા જોઈએ.

  • કોન્ટેક્ટ લેન્સ, ટુવાલ અને રૂમાલનો ઉપયોગ કરવાનું ટાળો.

  • સ્વિમિંગ ના કરો અને તડકામાં વધારે બહાર ન જાવ.

  • ભીડવાળી જગ્યાઓ પણ ટાળો.

  • શક્ય હોય તો હોમ આઇસોલેશનમાં રહો.