Ahmedabad : અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને નજીવા દરે ઘર જેવો પોષણયુક્ત ખોરાક મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા શ્રમિક અન્નપૂર્ણા યોજના (Shramik Annapurna Yojana)ની શરૂઆત કરવામાં આવી હતી. ગુજરાતમાં દરેક મોટા શહેરોના કડીયા નાકે શ્રમિક અન્નપૂર્ણા યોજનાની કેન્ટીન શરૂ કરવામાં આવી હતી. જે કોરોનાકાળના સમયથી હજુ સુધી બંધ છે. પરિણામે શ્રમિકોને પોષણયુક્ત ભોજન મળવાનું હવે બંધ થયું છે.
2017માં શરૂ કરવામાં આવી હતી યોજના
ગુજરાતમાં 6 લાખ જેટલા શ્રમિકો નોંધાયેલા છે. ત્યારે વિજય રૂપાણી સરકારે 2017 માં 50 કરોડ રૂપિયાના ભંડોળ સાથે ગુજરાતમાં 84 સ્થળોએ શ્રમિક અન્નપૂર્ણા યોજના પાયલોટ પ્રોજેકટ સ્વરૂપે શરૂ કરી હતી. જેમાં ગુજરાતના શહેરોના કડીયાનાકે શ્રમિકોને 10 રૂપિયામાં દાળ-ભાત, શાક, રોટલી જેવું પોષણયુક્ત ભોજન મળી રહે તેવી વ્યવસ્થા કરાઈ હતી.
સવારે 07 થી 11 વાગ્યા સુધી શ્રમિકોને ભોજન મળતું હતું. જે માટે શ્રમિકોએ રજિસ્ટ્રેશન કરાવતા એક ચોપડી અપાતી. જેમાં એન્ટ્રી કરીને અને આધારકાર્ડ બતાવીને શ્રમિકો ભોજન મેળવતા હતા. પરંતુ આ કેન્ટીન હવે બંધ રહેતા શ્રમિકોએ બહારનું અને મોંઘું ખાવા મજબૂર બન્યા છે.
શ્રમિકોની હાલત કફોડી
એક તરફ મોંઘવારી અને બીજી તરફ બેરોજગારીના બેવડા મારથી પીસાઈ રહેલા શ્રમિકોએ એક સમયનું જમવા માટે સરેરાશ 70-75 રૂપિયા ખર્ચવા પડી રહ્યા છે. અમદાવાદના અખબારનગરના કડીયાનાકા પાસે 500 જેટલા શ્રમિકો આ યોજનાનો લાભ લેતા હતા. પરંતુ તે બંધ થતા શ્રમિકોમાં પોષણનો અભાવ જોવા મળી રહ્યો છે.
શ્રમિકોને કામ પણ નથી મળી રહ્યું
મોંઘવારીના માર વચ્ચે રોજ કમાઈને ખાતા શ્રમિકોની સ્થિતિ કફોડી બની છે. પહેલેથી ઓછી આવક અને હવે તેમાં પણ અર્ધબેરોજગારી વેઠવાનો વારો કડીયાકામ સાથે સંકળાયેલ શ્રમિકોને આવ્યો છે. સવારે 8 વાગ્યાથી કડીયાનાકે બેસતા શ્રમિકોને 12 વાગ્યા સુધી કામ મળતું નથી. મહિનામાં અડધા દિવસો ઘરે બેસવાનો વારો આવે છે. ત્યારે ઘરનું ગુજરાન કેવી રીતે ચલાવવું તેનો ભય શ્રમિકોમાં જોવા મળ્યો છે. શ્રમિકોએ જણાવ્યું હતું કે કોરોનાકાળ પછીથી તેમની આવી જ સ્થિતિ છે.
આ પણ વાંચો :