અમદાવાદઃ ગુજરાતમાં કોરોના સંક્રમણથી (Gujarat Corona Cases) સાજા થવાનો દર સતત વધી રહ્યો છે. જોકે આ દરમિયાન રાજ્યમાં મ્યુકોરમાઈકોસિસના (Mucormycosis) રોગના દર્દીઓની સંખ્યા વધી છે. અમદાવાદમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં એક અંદાજ પ્રમાણે 1350 જેટલા દર્દીઓ મ્યુકોરમાઈકોસિસની સારવાર લઈ રહ્યા છે. જેમાંથી 33 દર્દીઓની આંખો કાઢી લેવામાં આવી છે.


રાજ્યમાં એક મહિના બાદ ૯ હજારથી ઓછા કેસ 


ગુજરાતમાં કોરોનાના કેસમાં થઇ રહેલા ઘટાડાનો ક્રમ સતત ચોથા દિવસે યથાવત્ રહ્યો હતો. રવિવારે રાજ્યમાં કોરોનાના ૮,૨૧૦ નવા કેસ નોંધાયા હતા જ્યારે ૮૨ના મૃત્યુ થયા હતા .  એક મહિના બાદ ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસનો આંક ૮ હજારથી નીચે ગયો છે. રાજ્યમાં કુલ કેસ હવે ૭,૫૨,૬૧૯ છે જ્યારે કુલ મરણાંક ૯,૧૨૧ છે. ગુજરાતમાં શનિવારની સરખામણીએ રવિવારે કોરોનાના કેસમાં ૮૫૧નો ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં હાલ ૧,૦૪,૯૦૮ એક્ટિવ કેસ છે જ્યારે ૭૯૭ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૪,૪૮૩ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે અને રીક્વરી રેટ વધીને હવે ૮૪.૮૫% છે. અત્યારસુધી કુલ ૬,૩૮,૫૯૦ દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે. ગુજરાતમાં ૧,૨૮,૩૨૦ સાથે કુલ ટેસ્ટનો આંક ૨ કરોડને પાર થયો છે. રાજ્યમાં હાલ ૪,૩૫,૮૦૫ દર્દીઓ ક્વોરેન્ટાઇન હેઠળ છે.


શું છે બ્લેક ફંગસ અથવા મ્યુકોરમાઈકોસિસ?


બ્લેક ફંગસ એક દુર્લભ પ્રકારનું ઇન્ફેક્શન છે. આ ઇન્ફેક્શન શરીરમાં બહુજ ઝડપથી ફેલાય છે.  બ્લેક ફંગસનુ સંક્રમણ મોટાભાગના દર્દીઓમાં જોવા મળ્યુ છે, જે ડાયાબિટીસથી પીડિત છે. અગાઉથી સ્વાસ્થ્યની સમસ્યાથી પીડાય રહેલા શરીરમાં વાતાવરણમાં હાજર રોગજનક વાયરસ, વેક્ટેરીયા અથવા અન્ય પેથોડન્સ સામે લડવાની ક્ષમતા ઓછી થઈ જાય છે.  આ ફંગસના કારણે મસ્તિષ્ક, ફેફસા અને ચામડી પર પણ  અસર જોવા મળે છે. આ કારણે કેટલાક દર્દીઓના જડબા અને નાકના હાકડાં પણ ઓગળી જાય છે. જો સમય રહેતા આનો ઇલાજ ના મળે તો દર્દીનુ મોત પણ થઇ શકે છે.


કઈ વ્યક્તિ મ્યુકરમાઈકોસિસથી કેવી રીતે સંક્રમિત થઈ શકે ?


જે લોકો અગાઉથી જ કોઈ રોગથી પીડાતા હોય છે, જે વેરીકોનાઝોલ થેરેપી એટલે કે ગંભીર ફંગલ ઇન્ફેક્શનની સારવાર ચાલી રહી હોય, જેનું ડાયાબિટીસ નિયંત્રણમાં ના હોય.  સ્ટેરોઇડને લીધે ઈમ્યુનિટી પર અસર થઈ હોય અને જે લાંબા સમયથી આઇસીયુમાં છે, તેમને આ ફંગલ ઈન્ફેક્શ જલ્દી થઈ શકે છે.


શું કરવું, શું ન કરવું


- હાઈપરગ્લાઈસીમીયા એટલે બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરવો.


- કોરોનાથી સાજા થયા બાદ અથવા ડાયાબિટીઝમાં બ્લડ ગ્લુકોઝના સ્તરનું નિરીક્ષણ કરતા રહો .


- સ્ટેરોઇડ્સનો ઉપયોગ વિવેકપૂર્ણ કરવો.


- ઓક્સિજન થેરાપી દરમિયાન હ્યુમિડિફાયર્સમાં સ્વચ્છ, સ્ટરાઈલ પાણીનો ઉપયોગ કરો.


- એન્ટિબાયોટિક્સ અથવા એન્ટી ફંગલ દવાઓનો ઉપયોગ કરો


- સંક્રમણના લક્ષણોને નજરઅંદાજ ન કરવું.


- બંધ નાકના દરેક કિસ્સામાં, એવું ન માનો કે તે બેક્ટેરિયાના સાઈનસાઈટિસના કારણે છે, ખાસ કરીને એવા દર્દીઓમાં, જેમની દવાઓના કારણે પ્રતિરોધક ક્ષમતા નબળી પડી છે.


- ફંગલ ઇન્ફેક્શનની તપાસ માટે મોટા પગલા લેવામાં અચકાશો નહીં.


- મ્યુકોરમાઈકોસિસ હોય તો સારવાર શરૂ કરવામાં જરા પણ સમય બગાડશો નહીં.


લક્ષણ અને ખતરો....


સ્વાસ્થ્ય વિશેષજ્ઞોનુ માનીએ તો મ્યુકૉરમાયકોસિસ (બ્લેક ફંગસ)ના લક્ષણોમાં માથાનો દુઃખાવો, તાવ, આંખોમાં દુઃખાવો, નાક બંધ થવુ, સાઇનસ અને જોવાની ક્ષમતામાં થોડી થોડી અસર પડે છે. બ્લેક ફંગસ દર્દીઓની સંખ્યા ધીમે ધીમે વધતી જઇ રહી છે.