અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં યુવતી પર ત્રણ યુવકે સામૂહિક બળાત્કાર કરતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. સરદારનગર પોલીસે ત્રણેય નરાધમ યુવકોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. યુવતીને સરદારનગર સ્થિત રૂમમાં લઈ જઈને આ ત્રણેય નરાધમોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો.

પોલીસે આપેલી માહિતી પ્રમાણે ભોગ બનનાર યુવતીને મુખ્ય આરોપી પ્રેમ ઉર્ફે મહેશ નામના યુવક સાથે પરિચય હતો. યુવતી અગાઉ એક-બે વાર તેના ઘરે ગયેલી હતી. ગત 31મી ઓક્ટોબરે પ્રેમે યુવતીને પોતાના ઘરે બોલાવતા, યુવતી બપોરના સમયે તેના ઘરે ગઈ હતી. રાત્રે મોડું થતાં યુવતીએ પ્રેમને ઘરે જવા જણાવ્યું હતું. જોકે, પ્રેમે યુવતીને રાત રોકાઇ જવા માટે જણાવ્યું હતું. તેમજ તેણે પોતાના બે મિત્રો સુમિત અને હાર્દિકને બોલાવ્યા હતા.

આ સમયે પ્રેમે યુવતીને સોડા પીવડાવી હતી. સોડા પીધા પછી યુવતીને ચક્કર આવવા લાગ્યા હતા, તેમ જ યુવતી બેભાન અવસ્થામાં આવી ગઈ હતી. જેનો લાભ લઈ પ્રેમે યુવતી સાથે બેભાન અવસ્થામાં શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ પછી તેના બંને મિત્રોએ પણ શારીરિક સંબંધ બાંધ્યા હતા. સરદારનગર પોલીસે આરોપીઓ સામે ગુનો દાખલ કરી ત્રણેયની ધરપકડ કરી છે.