અમદાવાદઃ આવતી કાલે 31મી ડિસેમ્બર છે, ત્યારે અમદાવાદ પોલીસે 31stની ઉજવણીને લઈને પત્રકાર પરીષદ યોજી હતી. 31 ડિસેમ્બરને લઈને શહેરમાં 7 ડીસીપી, 14 એસીપી અને 50 પીઆઈ તૈનાત રાખવામાં આવશે. 100 પીએસઆઈ અને 3500 પોલીસકર્મી શહેરમાં કર્ફ્યુનો અમલ કરાવશે.


ડી.સી.પી. હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, રાત્રે પકડાયેલા લોકોનું મેડિકલ પરિક્ષણ કરાવાશે. 31 ડિસેમ્બરના રોજ 7 DCP, 14 ACP, 50 PI, 100થી વધુ પીએસઆઇ અને 3000 કોન્સ્ટેબલ સુરક્ષાકર્મીઓ બંદોબસ્તમાં તૈનાત રહેશે. 9 વાગ્યા સુધી જ કરફ્યુ મુક્તિ છે. 9 વાગ્યા પછી બહાર નીકળતા લોકો સામે કડક કાર્યવાહી કરાશે.

તેમણે જણાવ્યું હતું કે, કોરોનાને લીધે રાત્રે બંદોબસ્ત દરમ્યાન પોલીસ માઉથ એનેલાઈઝર ઉપયોગ નહિ કરે, પરંતુ શંકાસ્પદ જણાશે તો બ્લડ સેમ્પલ લઈને યોગ્ય કાર્યવાહી કરશે. ફાર્મ હાઉસ પર પાર્ટી કરી શકાશે નહીં. સી. જી. રોડ અને એસ.જી. હાઇવે ઉપરાંત જ્યાં જ્યાં વધુ ભીડ થાય છે, એવા વિસ્તારોમાં સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

ડી.સી.પી કંટ્રોલ હર્ષદ પટેલે લોકોને મેસેજ આપ્યો કે, 9 વાગ્યા સુધીમાં ઘરે પહોંચી જવું. 9 વાગ્યા પછી બહાર નીકળેલા લોકો યોગ્ય કારણ નહિ આપી શકે તો તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.