અમદાવાદ: દિવાળીના તહેવાર બાદ કોરોના વાયરસના કેસમાં વધારો થતા અમદાવાદમાં રાત્રિ કર્ફ્યૂ લાદવામાં આવ્યું છે. જો કે, અમદાવાદમાં રાત્રિ કર્ફ્યૂ ક્યારે હટશે તેની અટકળો શરુ થઈ ગઈ છે. તેની વચ્ચે અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે સ્પષ્ટતા કરી દીધી છે કે, હાલમાં અમદાવાદમાં રાત્રિ કર્ફ્યૂ હટાવવાનો કોઈ નિર્ણય નથી. રાત્રિ કર્ફ્યૂ યથાવત રહેશે.તેમજ તહેવારોની ઉજવણી કેન્દ્ર સરકારની SOP મુજબ જ થશે .

હાલના સંજોગોમાં રાત્રિ કર્ફ્યૂ હટાવવાનું કોઈ પણ પ્રકારનું આયોજન ન હોવાનો તેમજ રાત્રિ કર્ફ્યૂ અંગેનો નિર્ણય આરોગ્ય વિભાગના અભિપ્રાય અને સરકારના આદેશ મુજબ લેવાવાની પણ સ્પષ્ટતા કરાઈ છે.

કેમ કે, ક્રિસમસ અને થર્ટી ફર્સ્ટને આડે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે રાત્રે 9 વાગ્યા સુધી જ ઉજવણીની છૂટ અપાશે.કોવિડ પ્રોટોકોલ તેમજ કોવિડને લઈ કેંદ્ર અને રાજ્ય સરકારની ગાઈડલાઈનનું પાલન પણ કરાશે. કુલ મળીને અત્યાર સુધી લગાવાયેલા નિયંત્રણોના સકારાત્મક પરિણામો મળ્યા છે. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા અને પોલીસ કમિશ્નર કોઈ પણ પ્રકારની જલ્દબાજી કરવા માગતા નથી અને તે જ શહેરીજનોના હિતમાં છે.

ઉલ્લેખનીય છે કે, કોરોના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે અમદાવાદ શહેરમાં 211 કેસ નોંધાયા હતા જ્યારે વધુ 4 લોકોના મોત થયા હતા.