અમદાવાદઃ પોપ્યુલર ગ્રુપના બિલ્ડર રમણ પટેલનો પુત્ર મૌનાંગ અને તેનો ભાઈ પ્રિયેશ અને પત્ની દારૂ પીધેલી હાલતમાં પકડતાં ચકચાર મચી ગઈ છે. ઉદયપુર અને જેસલમેરથી ન્યૂ યર ઉજવી પાછા ફરતા હતા ત્યારે દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા. પત્ની ફીઝુ સાથે વિવાદથી ચર્ચામાં રહેલો મોનાંગ નંદાસણ પાસે પકડાયો હતો. નાનો પુત્ર પ્રિયેશ અને પુત્રવધૂ શામળાજી પાસે પિધેલી હાલતમાં ઝડપાયા હતા. 


મૌનાંગ  તેના 3 મિત્રો સાથે દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો હતો. તો પ્રિયેશ અને તેની પત્ની ન્યૂ યર પાર્ટી માટે ઉદયપુર ગયાં હતાં. દારૂ પીને 2 કારમાં આવી રહ્યાં હતાં ત્યારે શામળાજી પોલીસે પ્રિયેશ અને તેની પત્નીને નાકાબંધી પોઈન્ટ પર, જ્યારે મૌનાંગ અને તેના 3 મિત્રોને મહેસાણાની નંદાસણ પોલીસે ઝડપી લીધા હતા.


શામળાજી પોલીસ અને અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા ગત 1 જાન્યુઆરીએ અણસોલ ચેક પોસ્ટ ખાતેના વાહન ચેકિંગ દરમિયાન સાંજે 6.20 વાગ્યે રાજસ્થાન, રતનપુર તરફથી આવેલી વોલ્વો કારમાં એક પુરુષ અને એક સ્ત્રીને રોકીને પૂછપરછ કરતાં તેમણે તેમના નામ પ્રિયેશ રમણભાઈ પટેલ (ઉં.39, પોપ્યુલર પાર્ક, સેટેલાઈટ) હોવાનું જણાવ્યું હતું. તેમની સાથે તેમની પત્ની પણ હતી. બંને દારૂ પીધેલી હાલતમાં હોવાથી શામળાજી પોલીસે બંનેની ધરપકડ કરી કાર અને ફોન કબજે લીધા હતા. 


પ્રિયેશની કાર પોલીસે રોકીને વાત કરતાં બંને પીધેલા હોવાનું જણાયું હતું, જેથી મહિલા પોલીસ બ્રેથ એનેલાઈઝર મશીનમાં પ્રિયેશની પત્ની કોમલબેનને ફૂંક મારવાનું કહેતાં તેણે મહિલા પોલીસ કર્મચારીનો હાથ પકડીને ફૂંક મારવાની ના પાડી દઈ ધમાલ કરી હતી.


બીજી તરફ રાતે 10 વાગે મહેસાણાની નંદાસણ પોલીસે મહેસાણા-નંદાસણ હાઈવેના એસઆર પેટ્રોલ પંપ પાસે વોલ્વો કારમાં સવાર ચાર લોકોની પૂછપરછ કરતાં તે મૌનાંગ રમણ પટેલ (ઘનશ્યામ પાર્ક, સેટેલાઈટ), કારચાલક વિશ્વનાથ અમરનાથ રાવલ તેમજ ભીખાભાઈ હીરા પટેલ અને નિકુંજ અરવિંદભાઈ પટેલ હોવાનું જણાવ્યું હતું.


કાર ચાલકે કોવિડના કારણે મોઢામાં એનેલાઇઝર નાખવાનો ઇનકાર કરતાં પોલીસે તેનું મોંઢું સૂંઘીને તોતળાતા અવાજે બોલતો હોવાથી તેમજ તેની આંખો લાલ ચોળ જણાતાં પોલીસને નશો કરેલી હાલતમાં જણાતાં પોલીસે પ્રિયેશ રમણભાઈ પટેલ અને ગાડીમાં મુસાફરી કરતી કોમલબેન પ્રિયેશભાઈ પટેલ નશાની હાલતમાં જણાતા પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આમ, દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા બંને ભાઈઓને નવા વર્ષની પહેલી રાત પોલીસ કસ્ટડીમાં કાઢવી પડી હતી.