BV Doshi Death: જાણીતા આર્કિટેક્ટ બીવી દોશીનું 95 વર્ષની વયે નિધન થયું છે. તેમણે આઈ આઈ એમ બેંગ્લોર, આઈઆઈએમ ઉદેપુર, નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ફેશન ટેકનોલોજી ન્યુ દિલ્હી સહિત અનેક જાણીતી બિલ્ડિંગનની ડિઝાઇન તૈયાર કરી હતી. લાંબા સમયની બીમારીના કારણે તેમનું નિધન થયું છે. તેમના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યક્ત કર્યો છે.
અનેક એવોર્ડથી સન્માન
બીવી દોશીને પદ્મભૂષણ, પદ્મશ્રી, રોયલ ઇન્સ્ટિટયૂટ ઓફ બ્રિટિશ આર્કિટેક રોયલ ગોલ્ડ મેડલ, પ્રીઝર્કર આર્કિટેક્ચર પ્રાઇઝ જેવા અનેક એવોર્ડ થી સન્માનિત છે.
ફોર્ચ્યુન ટોપ-50 લીડર્સમાં મળી ચુક્યું છે સ્થાન
ફોર્ચ્યુન ટોપ-50 લીડર્સના લિસ્ટમાં બીવી દોશીને સ્થાન મળ્યું હતું. મહાન ચિત્રકાર એમએફ હુસૈન સાથેની મિત્રતાની યાદ આપતી અમદાવાદમાં આવેલી હુસૈન-દોશી ગુફા તેમણે ડિઝાઇન કરેલી છે. ભારતમાં આર્કિટેક્ચર ક્ષેત્રે અવનવા સ્વરૂપોમાં તેમનો મહત્ત્વનું યોગદાન છે. અમદાવાદના બીવી દોશી આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત આર્કિટેક્ટ. તેઓ પ્રથમ એવા ભારતીય સ્થપતિ છે કે જેમને આર્કિટેક્ચરનું સૌથી ઊંચું સન્માન પ્રિત્ઝકર પ્રાઇસ મળ્યું છે.
પીએમ મોદીએ શું કર્યુ ટ્વિટ
પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરીને લખ્યું, ડો. બી.વી. દોશીજ એક તેજસ્વી આર્કિટેક્ટ અને નોંધપાત્ર સંસ્થાના નિર્માતા હતા. આવનારી પેઢીઓ સમગ્ર ભારતમાં તેમના સમૃદ્ધ કાર્યની પ્રશંસા કરીને તેમની મહાનતાની ઝલક મેળવશે. તેમનું નિધન દુઃખદ છે. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ દુઃખ વ્યક્ત કર્યુ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને લખ્યું, સ્થાપત્ય જગતના ધ્રુવતારા સમાન વિશ્વવિખ્યાત આર્કિટેક્ટ, પ્રિટ્ઝકર પ્રાઈઝ વિજેતા, ‘પદ્મભૂષણ’ બાલકૃષ્ણ દોશીજીના નિધન પર દુ:ખની લાગણી વ્યક્ત કરું છું. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે અને તેમના સ્વજનો, અસંખ્ય ચાહકો અને શિષ્યોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.