અમદાવાદઃ આજથી માતાજીના નવલી નવરાત્રીનો પ્રારંભ થયો છે. જોકે, હાલ, ગુજરાત સહિત સમગ્ર દેશ અને દુનિયામાં કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે ગુજરાતમાં સરકારે નવરાત્રીમાં કોઈ પણ ગરબા રમવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. કોરોના મહામારી વચ્ચે નવરાત્રીના તહેવારનો લઈ રાજય સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે. માર્ગદર્શિકા મુજબ આ વર્ષે રાજ્યમાં નવરાત્રી દરમિયાન જાહેરમાં ગરબાનું આયોજન કરી શકાશે નહીં. એટલે કે રાજ્યમાં જાહેર કે શેરી ગરબા સહિત કોઈપણ પ્રકારના ગરબા યોજી શકાશે નહીં.


નવરાત્રી દરમિયાન જાહેરમાં ખુલ્લી જગ્યાએ ગરબી/મૂર્તિની સ્થાપના અને પૂજા-આરતી કરી શકાશે, પરંતુ ફોટા કે મૂર્તિને ચરણ સ્પર્શ નહીં કરી શકાય. અગાઉ પ્રસાદ વિતરણ પર પ્રતિબંધ મુકાયો હતો. હવે પેકિંગમાં પ્રસાદ વિતરણ કરવાની છૂટ આપી છે. જાહેરમાં ગરબીના સ્થાપન માટે સ્થાનિક પોલીસ સ્ટેશનની મંજૂરી લેવી જરૂરી રહેશે. જોકે, સોસાયટી-ફ્લેટમાં માતાજીની આરતી માટે પોલીસની મંજૂરીની જરૂર નથી. 200થી વધુ વ્યક્તિ એકત્રિત થઈ શકશે નહીં તેમજ આ કાર્યક્રમનો સમય એક કલાકનો જ રહેશે. કાર્યક્રમ દરમિયાન તમામ એસઓપીનું પાલન અવશ્ય કરવાનું રહેશે.



રાજય સરકારે નવરાત્રી ઉપરાંત દશેરા, દિવાળી, નૂતનવર્ષનું સ્નેહમિલન સહિતના તહેવારોની ઉજવણીને લઈ પણ માર્ગદર્શિકા જાહેર કરી છે. સરકારે કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં સામાજિક, શૈક્ષણિક, રમતગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ધાર્મિક સમારોહનાં આયોજનમાં પણ કેટલીક ચોક્ક્સ શરતોને આધીન પરવાનગી આપવાનો નિર્ણય કર્યો છે. જેમાં છ ફૂટની દૂરી સાથેનું ફિઝિકલ ડિસ્ટન્સ અને એ માટે ફ્લોર માર્કિંગ કરવાનું રહેશે.

સમગ્ર સમારંભ દરમિયાન ચહેરાને યોગ્ય રીતે તમામ સમયે ઢાંકી રાખવો પડશે. થર્મલ સ્કેનર, સેનિટાઇઝર સાથે ઓકસી મીટરની સુવિધા તેમજ સ્ટેજ, માઇક, ખુરશીને સમયાંતરે સેનિટાઇઝ કરવાનાં રહેશે. 65થી વધુ વયના વયસ્ક નાગરિકો, 10 વર્ષથી નીચેની વયનાં બાળકો, સગર્ભા માતાઓ તેમ જ અન્ય બીમારીથી પીડિત વ્યક્તિઓ આવા સમારંભોમાં ભાગ ના લેવા સલાહ આપવામા આવી છે.



જો કે આવા સમારંભો હોલ, હોટલ, બેન્ક્વેટ હોલ, ઓડિટોરિયમ, જ્ઞાતિ સમાજોની લગ્નવાડી, ટાઉન હોલ કે અન્ય બંધ સ્થળે યોજવામાં આવે ત્યારે આવા સ્થળની કેપેસિટીના 50 ટકા કે વધુમાં વધુ 200 વ્યક્તિની મર્યાદામાં જ યોજી શકાશે. લગ્ન-સત્કાર સમારંભ જેવી ઉજવણીમાં 100 વ્યક્તિ ભાગ લઈ શકશે. મૃત્યુ બાદની અંતિમક્રિયા-ધાર્મિક વિધિમાં મહત્તમ 100 વ્યક્તિની મર્યાદા રહેશે. રાજય સરકારે મેળા, રેલી, પ્રદર્શનો, રાવણદહન, રામલીલા, શોભાયાત્રા જેવા સામૂહિક કાર્યક્રમો કે જ્યાં મોટા પ્રમાણમાં લોકો એકઠા થતા હોય એના પર પ્રતિબંધ મૂક્યો છે.