અમદાવાદઃ ઈસનપુરમાં મરણ પ્રસંગમાં હાજરી આપી પરત આવતી યુવતી પતિનું એક્ટિવા પ્રેમિકાની ઓફિસ બહાર જોઈ ગઈ હતી. યુવતી ઓફિસમાં જતાં તેનો પતિ પણ ત્યાં હાજર હતો. યુવતીએ પતિને સવાલ કરતાં તેણે તથા તેની પ્રેમિકાએ યુવતીને ફટકારતાં યુવતીએ પતિ અને પ્રેમિકા સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ઇસનપુર વિસ્તારમાં રહેતી 41 વર્ષીય યુવતી સંયુક્ત પરિવારમાં રહે છે અને પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે. તેમને સંતાનમાં એક 18 વર્ષીય દીકરી છે. તેમના લગ્ન 1998માં થયાં હતાં. બંનેનું લગ્નજીવન સુખી હતું પણ છેલ્લા 3 વર્ષથી પતિને અન્ય યુવતી સાથે સંબંધો બંધાયા હતા.

આ વાતની જાણ યુવતીને થતાં તેણે પતિને સમજાવ્યો હતો અને તેના કારણે ઝઘડા પણ થતા હતા. મંગળવારે યુવતી સંબંધીના મરણ પ્રસંગે  બપોરે  હાજરી આપવા ગઈ હતી. આ સમયે તેમના પતિનું એક્ટિવા એક ઓફિસ બહાર જોઈ તેઓ ચોંકી ગઈ હતી. યુવતી ઓફિસમાં પહોંચી જતાં પતિ  ટેબલ નીચે સંતાઈ ગયો હતો.

યુવતીએ પતિને ઠપકો આપતાં તેની પ્રેમિકા ઉશ્કેરાઈ ગઈ હતી અને યુવતીને ગાળાગાળી કરીને ઝઘડો કર્યો હતો. તેનો પતિ પણ તેમાં જોડાયો હતો ને પ્રેમિકા સાથે મળીને પત્નિને ફટકારી હતી.  જો કે આસપાસનાં લોકોએ યુવતીને બચાવી હતી. આ અંગે યુવતીએ ફરિયાદ કરતાં પોલીસે પતિ અને પ્રેમિકાની શોધખોળ હાથ ધરી છે.