સગીરાનાં ફોટા અપલોડ કરી કોલગર્લ બતાવી બદનામ કરનાર મહિલા આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે, આરોપી મહિલા અને સગીરાનાં પિતા વચ્ચે મિત્રતા હતી. મહિલા અને સગીરાનાં પિતા વચ્ચે ઝઘડો થયો હોવાથી આરોપીએ ગુસ્સામાં આવી આ રીતે લખાણ લખી સ્ટેટ્સમાં મૂક્યું હોવાનું પુછપરછમાં બહાર આવ્યું હતુ. હાલ આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.
શહેરમાં રહેતી સગીરાનો ફોટો ફેસબુક સ્ટોરીમાં મૂકી કોલગર્લ દર્શાવી “rate 2500 call me” જેવું બિભત્સ લખાણ લખીને આ સગીરાને સમાજમાં બદનામ કરવાની કોશીશ કરવામાં આવી હતી. જેથી સગીરાની માતાએ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઈમ બ્રાન્ચે આઈડી અંગે તપાસ કરી ટેકનીકલ ડેટા મેળવી આરોપીને પકડવા માટે મોબાઈલનું લોકેશન મેળવ્યુ હતુ. જે અમદાવાદનાં ગોતા વિસ્તારમાં બતાવતું હતું.
પોલીસે ગોતા વિસ્તારમાં પહોંચીને સગીરાને બદનામ કરવાની કોશીશ કરનાર 32 વર્ષીય રાધા સિંગને ઝડપી લીધી હતી. પુછપરછ કરતા રાધા સિંગે જણાવ્યું હતું કે, તે ચાર વર્ષ પહેલા દિલ્લીથી અમદાવાદ આવી હતી. તે વખતે સગીરાનાં પિતા સાથે સંપર્કમાં આવી હતી. બંને વચ્ચે સારી મિત્રતા થઈ હતી. બાદમાં બંન્ને વચ્ચે ઝઘડો થયો હતો. જેથી રાધા સિંગે તેને શબક શીખવાડવા માટે આ લખાણ લખી અને સ્ક્રીનશોટ પણ ફરિયાદીને મોકલ્યા હતા. સમગ્ર મામલે પોલીસે આ મહિલાની ધરપકડ કરી હતી. જોકે પિતાએ એક સ્ત્રી સાથે કરેલી મિત્રતાનું માઠું પરિણામ એક નાની સગીરાને ભોગવવું પડતા સમાજ માટે આ લાલબત્તી સમાન કિસ્સો હોવાનું મનાઈ રહ્યું છે.