અમદાવાદ: શહેરના સાબરમતી વિસ્તાર પૂર્વ વિસ્તારની માફક ગુનેગારોનો અડ્ડો બની ગયો હોય તેમ લાગી રહ્યું છે. એક બાદ એક ગંભીર બનાવો બની રહ્યા છે પરંતુ સ્થાનિક પોલીસ મુકપ્રેક્ષક બની ગુનાને ડામવામાં સદંતર નિષફળ નીવડી છે. હત્યા, હત્યાની કોશિશ, દારૂની બબાલો જેવા અનેક ગુના બની રહ્યા છે. હત્યાનો એક બનાવ બન્યો ત્યાં હત્યાની કોશિશનો પણ બનાવ સામે આવ્યો છે. એક યુવતી કે જેની સગાઈ તેના પ્રેમી સાથે થઈ હતી. પણ દારૂ પીતો હોવાથી સગાઈ તોડી નાખી હતી.


બાદમાં અન્ય યુવક સાથે તેની સગાઈ થઈ હતી. જે ફિયાન્સના મિત્ર સાથે પણ યુવતીને પ્રેમ સંબંધ બંધાયા અને લવ ટ્રાયએન્ગલની વચ્ચે હત્યાની કોશિશનો બનાવ બની ગયો હતો. પૂર્વ પ્રેમીએ યુવતીના ફિયાન્સના મિત્ર એટલે કે હાલના નવા પ્રેમી સાથે બબાલ કરી હથિયારના ઘા ઝીકી દેતા હવે પોલીસે તપાસ શરૂ કરી છે.


રાણીપમાં રહેતી 19 વર્ષીય યુવતીનો ચારેક વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામ થકી મુકેશ નામના યુવક સાથે સંપર્ક થયો હતો. બાદમાં આ મુલાકાત પ્રેમમાં પરિણમી હતી અને પરિવારજનો એ સગાઈ કરી આપી હતી. પણ મુકેશ ખૂબ દારૂ પીતો હોવાથી  યુવતીએ બે વર્ષ પહેલા સગાઈ તોડી નાંખી હતી. બાદમાં અન્ય યુવક સાથે આ યુવતીની સગાઈ થઈ હતી. યુવતીના ફિયાન્સે તેના મિત્ર સાથે મુલાકાત કરાવી તો તે મિત્ર સાથે પણ યુવતી પ્રેમ કરી બેઠી હતી. જેને મુકેશ ફોન કરી હેરાન કરતો હોવાનું જણાવતા જગદીશ આ મુકેશના ઘરે જઈ બબાલ કરી આવ્યો હતો.


થોડા દિવસ પહેલા યુવતી સાયકલ પરથી પડી જતા તેને ઇજાઓ થઈ હતી અને ઘરે આરામ કરતી હતી. ત્યારે જ તેના ફિયાન્સના મિત્રનો ફોન આવ્યો અને મળવા માટે દબાણ કરતો હતો. જેથી પરાણે આ યુવતી તેના ફિયાન્સના મિત્ર કે જેની સાથે યુવતીને પ્રેમ સબંધ હતો તેને મળવા કાલીગામ તેના બાઇક પર ગઈ હતી. ત્યારે જ પૂર્વ પ્રેમી મુકેશનો ફોન આવતા જગદીશે ફોન લઈ તેને ઠપકો આપ્યો અને મળવા બોલાવ્યો હતો. જેથી મુકેશ ત્યાં આવ્યો અને જગદીશ સાથે બબાલ કરવા લાગ્યો હતો. બબાલમાં મુકેશે જગદીશને હથિયાર મારી દઈ હત્યાની કોશિશ કરતા સમગ્ર મામલે સાબરમતી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.