અમદાવાદઃ ગુજરાતમાં 2022માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુસંધાને વિવિધ સમાજની બેઠકો યોજાઈ રહી છે. વિવિધ સમાજના અગ્રણીઓ દ્વારા પોતાના સમાજના નેતાને મુખ્યમંત્રી બનાવવાની તરફેણ કરતાં  નિવેદનો પણ આવી રહ્યાં છે ત્યારે હવે પાટીદાર સમાજ તરફથી પણ ચૂંટણી અંગે મહત્વનું નિવેદન કરાયું છે. અમદાવાદમાં આવેલ સોલા ઉમિયાધામમાં કડવા પાટીદાર સમાજના આગેવાનોની બેઠક મળી હતી. 1 હજાર 500 કરોડના વિકાસ કાર્યોનું લોચિંગ કરવામાં આવ્યું. સાથે જ સોલા ઉમિયાધામ સંસ્થાનના વિકાસ કાર્યોની ચર્ચા કરાઈ અને અમદાવાદમાં સૌથી મોટા ધર્મોત્સવની કરવાની જાહેરાત કરાઈ હતી. 13 ડિસેમ્બરે માં ઉમિયાનો સૌથી મોટો ધર્મોત્સવ ઉજવાશે.


ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના ટ્રસ્ટી સી. કે. પટેલે ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીને લઈને નિવેદન કર્યું છે કે, પાટીદાર સમાજ આવનારા દિવસોમાં રાજકીય ચર્ચા કરવા એકત્ર થશે. આવનારા દિવસોમાં પાટીદાર સમાજના અગ્રણીઓની બેઠક મળશે અને પાટીદાર સમાજની તમામ સંસ્થાઓના અગ્રણીઓ રાજકીય ચર્ચા કરશે. જો કે ગુજરાતના આગામી  CM પાટીદાર હોવા જોઈએ કે નહીં તે અંગે એ કે પટેલે મૌન સેવ્યું હતું.


ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના ટ્રસ્ટી સી. કે. પટેલે જણાવ્યું કે, પાટીદાર સમાજના તમામ લોકો રાજકીય ચર્ચા કરવા આગામી સમયમાં મળશે અને આ  બેઠકમાં પાટીદાર સમાજના કલ્યાણ માટે રાજકીય ચર્ચા થશે. આ ચર્ચા બાદ ધમાકેદાર જવાબ આપવામાં આવશે. 


સોલા ઉમિયાધામ સંસ્થાનના વિકાસ કર્યો અંગે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પટેલે કહ્યું કે, ઉમિયા માતાજી સંસ્થાન એક ધાર્મિક સંસ્થા છે અને તેને રાજકારણ સાથે કંઈ લેવાદેવા નથી. તેમણે સ્પષ્ટતા કરી કે, આજની બેઠક કોઈ રાજકીય બેઠક નહોતી અને રાજકારણ માટે અલગથી બેઠક કરવામાં આવશે. પાટીદારોના રાજકારણ અંગેનો જવાબ સમય આવશે ત્યારે ધમાકેદાર રીતે આપીશું એવો હુંકાર કરતાં પટેલે કહ્યું કે, યોગ્ય સમય આવશે ત્યારા રાજકારણમાં પાટીદારોની ભૂમિકા મુદ્દે રાજકિય મંચ પરથી જવાબ આપીશું.