અમદાવાદ: અમદાવાદના વસ્ત્રાપુર લેક પાસે આલ્ફાવન મોલમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા એલન-સોલી શો રૂમમાં શરમજનક ઘટના બની હતી. હોળીના દિવસે કેન્સર સર્જનની ડો. પત્ની કપડાંનો ટ્રાયલ લેવા ચેન્જરૂમમાં ગઈ હતી. તે દરમિયાન શો રૂમનો કર્મચારી બોક્સ પર ચડી ચેન્જરૂમમાં કપડાં બદલી રહેલ યુવતીને જોઈ રહ્યો હતો.



તે સમયે કર્મચારીને કેન્સર સર્જન જોઈ ગયા હતા. આ અંગે કેન્સર સર્જને આદિત્ય બિરલાને ઈ-મેઈલ કરી ઘટનાની જાણ કરી હતી. જ્યારે વસ્ત્રાપુર પોલીસે શુક્રવારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.



ફરિયાદ મુજબ અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં રહેતાં અને જજીસ બંગલો વિસ્તારમાં કેન્સર સર્જન તરીકે નામના ધરાવતાં કેન્સર સર્જન અને તેમની પત્ની હોળીના દિવસે આલ્ફાવન મોલમાં ગયા હતા. કેન્સર સર્જન અને તેમની પત્ની બંન્ને ગ્રાઉન્ડ ફ્લોર પર એલન સોલીના શો રૂમમાં પહોંચ્યા હતાં. જ્યારે શોપિંગ શરૂ કરી હતી. આ શો રૂમના તમામ ચેન્જરૂમ ઉપરથી ખુલ્લા હતા.



કેન્સર સર્જન ટ્રાયલ લઈને બહાર આવ્યા બાદ તેમની પત્ની અંગે નજીકમાં ઊભેલા કર્મચારીએ પૂછ્યું હતું. કર્મચારીએ જે ચેન્જરૂમ બતાવ્યો તેમાં કેન્સર સર્જનની પત્ની ન હતી. જે ચેન્જરૂમમાંથી તેમની પત્ની બહાર આવ્યા તેમાં પરેશ નામનો કર્મચારી બાજુમાં પડેલા બોક્સ પર ચડીને જોઈ રહ્યો હતો.



કેન્સર સર્જને આ અંગે મેનેજરને જાણ કરતાં તેઓએ માફી માંગી હતી. ત્યાર બાદ શો-રૂમના માલિકે આ અંગે સંતોષકારક જવાબ આપ્યો ન હતો. કેન્સર સર્જને  એરિયા મેનેજરને ફોન કરી જાણ કરી હતી. ત્યાર બાદ એલન સોલી બ્રાન્ડના માલિકને કેન્સર સર્જન ઈ-મેઇલ કરીને ફરિયાદ કરી હતી. પોલીસે હાલમાં ગુનો દાખલ કરી સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ કરી છે.